Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४४
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવ પૂર્વસંસ્કારોની જંજીરો વડે પોતાને અતીત સાથે બંધાયેલો હોવા છતાં પણ ભવિષ્ય પ્રતિ તે મુક્ત જ છે. વર્તમાનમાં કઈ રીતે પ્રવર્તવું એ માટે તે સ્વતંત્ર જ છે. અતીત સાથેનું બંધન પણ તેના પોતાના ભાવના કારણે જ ટકેલું છે. જો તે સંકલ્પ કરે કે જૂની આદત પ્રમાણે નથી ચાલવું તો તે રસ્તો બદલી, નવી રીતે જીવવાનું શરૂ કરી શકે છે. જીવ કેટલી બધી ક્રિયાઓ માત્ર આદતથી જ કરતો હોય છે. તે આદતને તોડવી કઠિન છે, પણ અસંભવિત તો નથી જ. જો યથાર્થ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો આદતો બદલી શકાય છે. જેવા જૂના સંસ્કાર જાગૃત થાય કે તરત જ્ઞાનીના બોધનું સ્મરણ કરવું જોઈએ કે જેથી વિચાર અને ભાવ જૂની રેખાથી અલગ થઈ એક નવી રેખા ઊભી કરે.
આ પ્રયોગ વારંવાર કરવામાં આવે તો જૂની રેખા ભૂંસાઈ જાય છે અને નવી રેખા બને છે. જીવ નવો ઢંગ અપનાવે તો ક્રોધ કરવો કઠિન પડશે અને શાંતિ રાખવી સરળ બનશે. થોડા સમયમાં તે એટલો શાંત થઈ જશે કે પછી ઉત્તેજિત થવું તેને માટે અઘરું બની જશે. મોક્ષપ્રાપ્તિ અર્થે આ રીતે નવસંસ્કરણ કરવાની જરૂર છે. આજ સુધી જે સંસ્કાર જોડે સુખ અને લાભ જોડ્યાં હતાં, તેની સાથે દુઃખ અને નુકસાન જોડવામાં આવે તો એના ચીલે ચાલવાનું જ અટકી જશે. જૂના સંસ્કારોને સ્થાને નવસંસ્કરણ થતું રહેશે અને જીવનયાત્રા ઇચ્છેલા માર્ગે પ્રગતિ કરશે.
કર્મસિદ્ધાંત તો ધર્મનું અંગ છે. તેને કેટલાક લોકોએ અધર્મ માટેનું અવલંબન બનાવી દીધું છે. જેમ કે કર્મો છે માટે થાય છે', ‘ઉદય છે માટે બને છે', પોતાના હાથમાં કોઈ વાત નથી', ‘પૂર્વજન્મનાં ફળ છે' ઇત્યાદિ. પૂર્વકર્મના કારણે વિપરીત સંસ્કાર જાગૃત થાય એ બરાબર, પણ તે જ પ્રમાણે પરિણતિએ વહેવું એવું બિલકુલ જરૂરી નથી. અજ્ઞાનમય સંસ્કારથી પ્રેરિત થયેલું જીવન જીવીને જીવ આજ સુધી ઘણું ચૂક્યો છે, હવે તેણે જાગૃતિપૂર્વક જીવવું જોઈએ. અજ્ઞાનના અને વિષયના સંસ્કારોની સામે નવા જ્ઞાનસંસ્કારનું નિર્માણ કરવામાં આવે તો કર્મના ઉદય નિષ્ફળ થઈ શકે છે. રાગપરિણામ બંધનું કારણ છે એમ જાણીને રાગાદિ વિભાવોનો ત્યાગ કરતાં અને વિશુદ્ધ જ્ઞાન-દર્શન જેનો સ્વભાવ છે એવા પોતાના આત્મતત્ત્વની નિરંતર ભાવના કરતાં સંસાર ક્ષય થતો જાય છે. જેટલા અંશે જીવનાં રાગાદિ પરિણામ ઘટતાં જાય છે, તેટલા અંશે તેને મોક્ષનો અનુભવ થતો જાય છે. ગાંધીજીએ ડરબન(આફ્રિકા)થી પૂછેલ ૨૭ પ્રશ્નોમાંથી ચોથો પ્રશ્ન - “મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય?' - તેના ઉત્તરમાં શ્રીમદ્ લખે છે –
‘એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org