________________
કેવળી પ્રભુનો સાથ
સ્વરૂપને વિશુધ્ધ કરવામાં સહાય કરે તેવા યોગ્ય ભોમિયાની – માર્ગદર્શક ગુરુની ખૂબ જરૂરિયાત છે એનો લક્ષ અમને આપે આપેલી સુમતિ કરાવે છે. અત્યાર સુધી અમારી મતિ એવી અવળી ચાલતી હતી, અમો એમ માનતા હતા કે અમને કલ્યાણ કરતાં આવડે છે, અમે અમારી જાતે કલ્યાણ કરી લઈશું, અમારું કલ્યાણ થઈ જશે; પરંતુ અમારા પર વરસેલી કૃપાને લીધે અમે અમારી ભૂલ સમજી શકયા છીએ. અમને મળેલી સુમતિના આધારે અમે કરેલી આ સર્વ ભૂલોની આપની સમક્ષ ક્ષમા માગીએ છીએ. ' હે દેવાધિદેવ! અત્યાર સુધી તો અમે બાહ્ય આત્મામાં જ રમતા હતા, બાહ્યથી જ ધર્મપ્રવૃત્તિ કરતા હતા, તેમાં જ કલ્યાણ છે એવી વિપરીત માન્યતામાં રાચી, અમે ઓથે ઓથે બાહ્યથી વ્રત, નિયમ, પચ્ચખાણ, શાસ્ત્રપઠન, જપ, તપ, અભ્યાસ વગેરે કરતા હતા, પણ આત્માને શુદ્ધ કરવાના લક્ષથી આ બધું જ કરવાનું અમને સૂઝયું પણ ન હતું. આપની અણમોલ કૃપા થતાં અમને અમારી આ ભૂલો સમજાઈ છે. અત્યાર સુધી સેવેલી આ ભૂલોની પરંપરાને અમારે તોડવી છે. આપની કૃપામાં આપના આશ્રયે રહી, સન્માર્ગે ચાલી અમારે આત્મકલ્યાણ કરવું છે.
આપે વરસાવેલી કરુણાને કારણે અમને સમજાય છે કે બહિરાત્મભાવ એ આત્માનું સાચું સ્વરૂપ નથી. આ ભાવથી છૂટી અમારે અંતરાત્મા તરફ વળવાનું છે, અને અંતમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. દેહાદિ પરપદાર્થોમાં પોતાપણું કરી રાચનાર જીવ બહિરાત્મા છે. એવી વૃત્તિઓમાં જ અમારો સર્વ ભૂતકાળ પસાર થયો છે. પણ તમે આપેલી સ્મૃતિના આધારે સમજાય છે કે તે વૃત્તિઓથી પર બની, દેહાદિ પદાર્થો અને પ્રવૃત્તિમાંથી પોતાપણાની બુદ્ધિ છોડી દઈ, તેના સાક્ષી રૂપે રહેતાં શીખવાથી અંતરાત્મા થવાય છે. ત્યારે, જ્ઞાનના આનંદથી ભરપૂર, પરમ પવિત્ર, કર્માદિક ઉપાધિથી રહિત, ઇન્દ્રિયોથી પર, અને ગુણોના સમૂહરૂપ આત્માનો સતત અનુભવ એ પરમાત્મસ્વરૂપ છે, તે પ્રાપ્ત કરવાનું હવે લક્ષ બંધાતું જાય છે. આપની વરસી રહેલી અનન્ય અને અપૂર્વ કૃપા થકી અમારી મતિ સવળી થતી જાય છે; તેથી અમે જાણી શકીએ તથા અનુભવી શકીએ એટલા કાળ માટે અમે અમારા દેહ તથા
૧૦