________________
કેવળી પ્રભુનો સાથ
પ્રાયશ્ચિતના સાધનથી દોષની તથા અંતરાયની નિવૃત્તિ વર્તમાનમાં કરી આત્મસિદ્ધિ માટે માર્ગ સરળ બનાવી શકે છે. કરેલી ભૂલ માટે પ્રાયશ્ચિત લેવાથી, જીવની નિષ્ઠાનુસાર મૂળ પાપકર્મ નિર્જરી જાય અથવા ઘણું નાનું થઈ જાય છે. પ્રાયશ્ચિત કરવાથી આ પ્રકારે પાપકર્મ નિર્જરવાથી, અંતરાયો તૂટવાથી, તથા સાવધાની વધવાથી મુનિની આરાધના સાધના નિરતિચાર દોષરહિત બનતી જાય છે. યથાર્થ રીતે પ્રાયશ્ચિત લેનાર મુનિ આ દ્વારા પોતાનાં જ્ઞાનની તથા દર્શનની વિશુદ્ધિ કરતાં કરતાં ચારિત્રની વિશુદ્ધિ પણ કરતા જાય છે. જ્ઞાનના ઉઘાડથી તેમની આરાધનાની શુદ્ધિ વધતી જાય છે, તથા દર્શનની ખીલવણીથી આરાધન વિશેની સ્પષ્ટતા મળતી જાય છે. અને તે બંનેના ફળરૂપે ચારિત્ર યથાપ્રકારે ખીલી મુનિને પંચમજ્ઞાન નજીક લાવે છે.
–
પ્રાયશ્ચિતને યોગ્ય સથવારો આપનાર બીજી પ્રક્રિયા શ્રી પ્રભુએ બતાવી છે તે છે “ક્ષમાપના”. અઢારમા સૂત્રમાં, ‘ભત્તે ! ક્ષમાપનાથી જીવને શું મળે ?' એવો પ્રશ્ન કરી, ઉત્તરમાં જણાવ્યું છે કે, “ક્ષમાપના કરવાથી જીવ પ્રહ્લાદભાવ (ચિત્તની પ્રસન્નતા) પામે છે. પ્રહ્લાદભાવ યુક્ત સાધક બધા પ્રાણભૂત જીવ, સત્ત્વો સાથે મૈત્રીભાવ પામે છે. મૈત્રીભાવ પામેલ જીવ, ભાવવિશુદ્ધિ કરીને નિર્ભય બને છે.”
ક્ષમાપના કરવી એટલે સર્વ અન્ય જીવો પ્રતિના જે જે દોષભાવ પોતાનાં મનમાં વસ્યા હોય તેને અંતરંગથી છોડી દેવા, અને તે પછી અન્ય સર્વને પોતા માટે થયેલા વિષમભાવ ત્યાગી દેવા વિનમ્ર બની વિનંતિ કરવી. આમ બંને પક્ષના કટુભાવનો ત્યાગ ક્ષમાપના કરવાથી થતો હોવાથી, બંને વચ્ચે મૈત્રીભાવ સ્થપાય છે. મૈત્રીભાવનો ઉદય થતાં દ્વેષભાવ કે વેરભાવ નીકળી જતાં જીવ પ્રહ્લાદ એટલે કે પ્રસન્નતાનું વેદન કરે છે. જેમ જેમ વધારે જીવો સાથે મૈત્રીભાવ અને નિર્મળ કલ્યાણભાવ કેળવાય છે, તેમ તેમ તેના પુણ્યપ્રભાવથી જીવની આત્મવિશુદ્ધિ સહેજે વધતી જાય છે. વળી, મિત્રો તો વિકાસ કરવામાં સહાય કરે, ભયનું નિમિત્ત આપે નહિ, આથી જેમ જેમ મૈત્રીભાવ વિકસિત થતો જાય, તેમ તેમ તેની નિર્ભયતા વધતી જાય છે. જ્યારે આ મૈત્રીભાવ જીવ સમસ્ત સુધી વિકસી, પૂર્ણતાએ પહોંચે છે ત્યારે તે આત્મા “કેવળી પ્રભુ” થાય છે; અને સંપૂર્ણ નિર્ભય થાય છે, એટલું જ નહિ પણ અન્યને ય પોતા તરફથી સંપૂર્ણ
૧૪૮