________________
કેવળી પ્રભુનો સાથ
સ્થિતિ એટલે બાંધેલું કર્મ કેટલો કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે એ વિશે ‘સ્થિતિ’ વિભાગમાં નક્કી થાય છે.
રસ એટલે જે કર્મ ગ્રહણ થયું છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ આપે તે રસબંધ. રસબંધને ‘અનુભાગ' પણ કહેવામાં આવે છે.
પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે પ્રદેશ બંધમાં નક્કી થાય છે.
આમ કર્મ ક્યા પ્રકારે ફળ આપશે તે પ્રકૃતિબંધનો વિષય છે, એ કેટલા વખત પછી કેટલા કાળ માટે ફળ આપશે તે સ્થિતિબંધનો વિષય છે, અને એ ફળ આપતી વખતે તેના વિપાકની તીવ્રતા કે મંદતા કેવી અને કેટલી હશે તે રસબંધનો વિષય છે. એ કર્મ કેટલાં પરમાણુના જથ્થાનું બનેલું છે તે પ્રદેશ બંધનો વિષય છે. આ કર્મ પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે, તે નરી આંખે દેખાય તેવાં ન હોવા છતાં પુદ્ગલ જ છે; જે જીવને ચીટકી જાય છે, અને પોતાનાં ફળ આપ્યા પછી જ છૂટે છે.
ચેતનમાં કર્મનાં દળની સંખ્યા પ્રદેશબંધ નિર્માણ કરે છે. કષાયો રસબંધ અને સ્થિતિબંધ ઉપર સીધી અસર કરે છે, જ્યારે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનો નિર્ણય યોગ ઉપર આધાર રાખે છે. જેમ જેમ યોગની શક્તિ વધતી જાય તેમ તેમ મોટા જથ્થામાં કર્મની વર્ગણા આવતી જાય છે. એકેંદ્રિય જીવનું યોગબળ સહુથી ઓછું હોવાથી તે સહુથી અલ્પ કર્મબંધ કરે છે, શક્તિ વધતાં કર્મબંધ વધતાં જાય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સૌથી વિશેષ કર્મબંધ કરી શકે છે. તેમાં આત્માની પવિત્રતા જેમ જેમ વધતી જાય તેમ તેમ કર્મ પરમાણુનો આશ્રવ વધતો હોવા છતાં ઘાતી કર્મનો આશ્રવ શુભ પરિણતિમાં તૂટતો જતો હોવાથી અલ્પ અલ્પ કર્મબંધ થાય છે એમ જણાવ્યું છે. પવિત્ર આત્માને કલ્યાણભાવના પરમાણુનો આશ્રવ વધે છે અને ઘાતી કર્મનો આશ્રવ તૂટે છે. આમ આત્મિક વિકાસની નજરે જોઇએ તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને
૧૯૨