________________
કેવળી પ્રભુનો સાથ
ચારિત્રમોહની પ્રકૃતિઓ પણ ઘટાડીને તેટલા પ્રમાણની કરવી જરૂરી છે. જ્યારે સર્વ ઘાતીકર્મની પ્રકૃતિઓ એક ક્રોડાક્રોડી સાગરોપમથી થોડી ઉણી કરવામાં આવે છે ત્યારે જીવમાં સભાનપણે આત્માર્થ આરાધવાની શક્તિ આવે છે. તેનો સદુપયોગ જીવ કરે તો આત્માર્થે આગળ વધી તે શુધ્ધ, બુધ્ધ તથા મુક્ત થવા ભાગ્યશાળી થાય છે, અને જીવ જો તેનો દુરુપયોગ કરે તો ફરીથી કર્મબંધની જાળમાં ફસાઈ સંસાર અપરિમિત કરી મૂકે છે. દર્શનમોહ બોધ અને સત્સંગથી ઘટે છે, ત્યારે ચારિત્રમોહ વીતરાગતાથી ક્ષીણ થાય છે. આથી શ્રી પ્રભુએ મોહને તોડવા માટે અપરિગ્રહવ્રતને ખૂબ ઉપકારી ગણ્યું છે, અપરિગ્રહી થતા જવાથી જીવને લૌકિક જવાબદારી ઘટતી જાય છે, અને પ્રાપ્ત બોધ ગ્રહી વીતરાગતા તરફ જીવ વળતો જાય છે.
આ રીતે વિચારીએ તો સમજાય છે કે ચાર પ્રકારનાં ઘનઘાતી કર્મોનો નાશ કરવા માટે ચાર મહાગુણોનો આશ્રય શ્રી પ્રભુએ આપણને સૂચવ્યો છે. દર્શનાવરણને નિવારવા અહિંસા વ્રત ખૂબ ઉપકારી થાય છે. જ્ઞાનાવરણને ક્ષીણ કરવા સત્યવ્રતનું આરાધન જરૂરી છે, અંતરાય કર્મથી બચવા અચૌર્ય વ્રત અને મોહનો ઘાત કરવા અપરિગ્રહવ્રત અમોઘ શસ્ત્ર છે. આમ મુખ્ય ચાર વ્રત ચાર ઘાતીકર્મોને ઘાતે છે.
વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુ અને ચોવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ એ બે સિવાયના શ્રી અજીતનાથ પ્રભુથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુધીના બાવીસ તીર્થંકરોના સમયમાં ચાર મહાવ્રતનું પાલન થતું હતું. આ બાવીસે તીર્થંકરના શિષ્યો દક્ષ અને વિનિત હોવાથી થોડામાં ઘણું સમજી, ચાર મહાવ્રતના પાલન દ્વારા ચાર ઘાતીકર્મોનો ક્ષય કરવા સમર્થ થતા હતા. પરંતુ શ્રી ઋષભદેવ સ્વામીના શિષ્યો એટલા દક્ષ ન હતા, ભદ્રિકતા અને વધારે પડતી સરળતા તેમનામાં હોવાથી, ચાર મહાવ્રતથી ચારે ઘાતીકર્મોનો ક્ષય કરવો તેમના માટે સુલભ નહિ થાય એમ જાણવાથી શ્રી આદિનાથ પ્રભુએ તેમના માટે મોહનીય કર્મના યથાર્થ ક્ષય માટે અમૈથુન અને અપરિગ્રહ એ બે મહાવ્રત જણાવ્યા હતા. જેનું આરાધન કરી ભદ્રિક શિષ્યો મોહનીયના બંને પ્રકાર – દર્શનમોહ તથા ચારિત્રમોહનું યથાર્થ સ્વરૂપ જાણીને તેનાથી નિવૃત્ત થઈ શકે.
૨૯૨