________________
અઢાર પાપસ્થાનક
પાપસ્થાનકમાં આ કષાયોની વિગત આવતી હોવા છતાં, પ્રત્યેક કષાયની સમજણ આપવા દરેક કષાય માટે વિશેષ પાપસ્થાનક બતાવ્યું છે. અને તે જ કારણથી પુનરાવર્તનનો દોષ વહોરીને પણ આ કષાયો તથા તેનાં કાર્યો વિશે ફરી ફરી સમજ લેવા પ્રયત્ન કર્યો છે.
અનંતાનુબંધી કષાયો બીજા ગુણસ્થાન સુધી ધ્રુવબંધી છે. અપ્રત્યાખ્યાની કષાયો ચોથા ગુણસ્થાન સુધી ધ્રુવબંધી છે. પ્રત્યાખ્યાની કષાયો પાંચમા ગુણસ્થાન સુધી ધ્રુવબંધી છે. સંજ્વલન ક્રોધ નવમા ગુણસ્થાનના બીજા ભાગ સુધી ધ્રુવબંધી છે. સંજ્વલન માન નવમા ગુણસ્થાનના ત્રીજા ભાગ સુધી ધ્રુવબંધી છે. સંજ્વલન માયા નવમા ગુણસ્થાનના ચોથા ભાગ સુધી ધ્રુવબંધી છે. સંજ્વલન લોભ નવમા ગુણસ્થાનના પાંચમા ભાગ સુધી ધ્રુવબંધી છે. ચારે પ્રકારોના કષાયોની ચોકડી અવોદયી છે. કોઇ પણ એક કષાયનો ઉદય આવે અને જાય, બીજા અનુદિત હોય. પરંતુ કોઈને કોઈ પ્રકારના કષાયનો ઉદય દશમા ગુણસ્થાન સુધી જીવને હોય જ છે.
જ્યાં સુધી આ કષાયો તેના પ્રકાર સાથે પૂર્ણ ક્ષય થાય નહિ, ત્યાં સુધી એ બધા ધ્રુવસત્તાએ હોય છે. અનંતાનુબંધી કષાયનો વહેલામાં વહેલો નાશ ચોથા ગુણસ્થાને થઈ શકે છે. જો નાશ ન પામે તો વધુમાં વધુ ૧૧મા ગુણસ્થાન સુધી પણ તે સત્તામાં રહે છે. તે પહેલાં જીવ તેનો ક્ષય ૪,૫,૬ ગુણસ્થાને કરી શકે છે. એ જ રીતે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયોનો ક્ષય ક્ષપક શ્રેણિમાં થાય છે, ક્ષય ન થાય ત્યાં સુધી સત્તામાં રહે છે. અને જો ઉપશમ શ્રેણિ હોય તો ૧૧મા ગુણસ્થાન સુધી ધ્રુવસત્તાએ હોય છે. સંજ્વલન કષાય ક્ષપક શ્રેણિમાં દશમા ગુણસ્થાન સુધી ધ્રુવસત્તાએ રહે છે, અને ઉપશમ શ્રેણિમાં ૧૧મા ગુણસ્થાન સુધી ધ્રુવસત્તાએ હોય છે.
આ ચારે કષાયો આત્મચારિત્રને રોકે છે. ક્રોધનો જય કરવા જીવે શાંતિ ભજવી જરૂરી છે. માનનો પરાજય કરવા પ્રભુ પ્રતિનું દીનત્વ ઉપકારી થાય છે. માયાને છોડવા પદાર્થો પ્રતિનો સાક્ષીભાવ જરૂરી થાય છે, અને લોભને મોડવા ઉદારતાનો ગુણ વધારવાનો રહે છે, અર્થાત્ લોભનો જ લોભ કરવો ઘટે છે.
૩૪૧