________________
કેવળી પ્રભુનો સાથ
દ્વેષમાં જીવ સામાન્યપણે બે બે પ્રકારના કષાયો એકસાથે અનુભવતો હોય છે, તેની ભયંકરતા સમજાવવા માટે ચારે કષાયોને સ્વતંત્ર રીતે પાપસ્થાનક ગણાવ્યા પછી રાગ દ્વેષનાં જોડકાંને પણ સ્વતંત્ર પાપસ્થાનક તરીકે નિરૂપ્યાં છે. તેમાં આપણે એ વિશેષપણું સમજવાનું છે કે એક એક કષાય તોડવા જો ઘણા મુશ્કેલ હોય તો બન્નેના જોડકા તોડવા કેટલું મુશ્કેલ થાય?
રાગ અને દ્વેષથી મુક્ત થવા માટે પ્રભુએ ઉપાય સૂચવ્યો છે. રાગને કાઢવા તેને પ્રેમમાં પલટાવવો ઘટે છે. રાગમાં આસક્તિ અને અપેક્ષા છે, ત્યારે પ્રેમમાં નિરાસક્તિ અને નિરાપેક્ષા રહેલાં છે. પ્રેમ આપવામાં બદલાની આશા રહેતી નથી, તેને બદલે તે જીવ કે પદાર્થનું કલ્યાણ થાય એવી કલ્યાણભાવના પ્રેમમાં લહેરાતી રહે છે. નિરપેક્ષ ભાવથી, કલ્યાણભાવ કેળવવાથી પહેલાં જીવનો દ્વેષભાવ ઘટતો જાય છે. અને એ જ આરાધનમાં આગળ વધવાથી રાગભાવ ઘટતો જાય છે. બીજી રીતે કહીએ તો જ્યાં વૈષ થવાનાં નિમિત્તો છે, તે પ્રતિ સમતા કેળવવાથી કલ્યાણભાવ વિસ્તારી શકાય છે, અને એમાં અપેક્ષા છોડતા જવાથી રાગભાવથી જીવ મુક્ત થતો જાય છે. જેને રાગ નથી તેને દ્વેષ હોઈ શકતો નથી, પરંતુ દ્વેષ ન હોય તો જીવને રાગ હોય વા ન પણ હોય. આ કારણથી શ્રી વીતરાગ જિને વીતષ થનાર કરતાં વીતરાગનું મહત્ત્વ ઘણું ઘણું વધારે બતાવ્યું છે.
જીવ જ્યારે રાગ કે દ્વેષરૂપ કોઈ લાગણી અનુભવે છે ત્યારે તેને પરપદાર્થ સંબંધી કોઈ ને કોઈ સ્વરૂપે સુખબુદ્ધિ પ્રવર્તે જ છે. આ પ્રવર્તનની માત્રામાં જીવ તરત જ જ્ઞાનાવરણ કર્મ બાંધે છે. રાગ કે દ્વેષમાં ઘસડાનાર જીવથી દ્રવ્ય કે ભાવથી હિંસા થાય છે તેથી તે જીવ દર્શનાવરણ કર્મનો બંધ પણ કરે જ છે. આ બંને ભાવ કરતી વખતે જીવ સ્વથી છૂટો પડે છે, અન્યને પણ તેના સ્વરૂપથી વિમુખ થવાનું નિમિત્ત આપે છે, પરિણામે અંતરાય કર્મનાં બંધનમાં જીવ જકડાય છે, ત્યારે ઘાતકર્મોની અને તેના અનુસંધાનમાં બંધાતા અઘાતી કર્મોનું સ્વરૂપ કષાયના જોર પરથી નક્કી થાય છે. તીવ્ર ભાવમાં અશુભ પ્રકૃતિ અને મંદ ભાવમાં શુભ પ્રકૃતિના બંધ જીવને થાય છે.
૩૪૪