________________
અઢાર પાપસ્થાનક
પાછળ રહેતા નથી. અન્ય પાપસ્થાનો કરતાં આ પાપસ્થાનક જીવને નીચે પાડવા માટે વધારે સમર્થ જણાય છે.
સંજ્ઞીપંચેન્દ્રિય સિવાય આ પાપસ્થાનકનો સ્પર્શ કરવાની અન્ય જીવોની સમર્થતા જ નથી, કારણ કે તેમાં સંજ્ઞાનો વિશેષતાએ ઉપયોગ જીવે કરવો પડે છે. નારકીને દુ:ખની બહુલતા અને દેવોને શાતાની સુલભતા આ પાપસ્થાનકથી સામાન્ય રીતે દૂર રાખે છે, તો તિર્યંચને આવી કુટિલતા આચરવાની સામાન્યપણે સમર્થતા ન હોવાથી તે પણ બાદ થઈ જાય છે. બાકી રહી જાય છે સંજ્ઞાની વિશેષતાએ ખીલવણી કરવાવાળા અને તેનો દુરુપયોગ કરનારા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જીવો. જે મનુષ્યોને મિથ્યાત્વનું જોર હોય છે, અને સંસારી પદાર્થોની આસક્તિ તીવ્ર હોય છે તેવા મનુષ્યો આવી પ્રવૃત્તિમાં ગરક રહે છે અને ક્રમથી નીચે ઉતરાય તેવી પ્રવૃત્તિ કરી, પાપકર્મમાં રાચે છે.
આ પાપસ્થાનકના સ્પર્શ કરવાવાળા જીવો સામાન્યપણે અન્ય જીવોના દોષનું અવલોકન કરી, તેની બદબોઇમાં રાચી ત્રિવિધ ત્રિવિધ કર્મોપાર્જન કરતા રહે છે. એથી આ સ્થાનકથી બચવા જીવ ગુણગ્રાહી થતો જાય તો તેને ખૂબ ફાયદો થાય છે. પ્રત્યેક મનુષ્ય અપૂર્ણ હોવાથી તેનામાં અમુક દોષ હોય જ છે. સાથે સાથે આટલી સ્થિતિ સુધી તે પહોંચ્યો હોવાથી અમુક ગુણ પણ તેનામાં પ્રવર્તતા જ હોય છે. આથી તે જીવ પ્રતિ દોષદ્રષ્ટિ ત્યાગી જો ગુણગ્રહણની દૃષ્ટિ કેળવવામાં આવે તો તેને સર્વાંગી ફાયદો થાય છે. જે જીવ માત્ર દોષ જ જોયા કરે છે, તે જીવ ક્રમે કરીને એ દોષને આવકારી પોતામાં દોષનો ઢગલો ઊભો કરે છે અને ગુણને ત્યાગતો જાય છે. ત્યારે જે જીવ અન્યના દોષને ગૌણ કરી ગુણને આવકારતો જાય છે તે જીવ ક્રમે ક્રમે એ બધા ગુણોને પ્રેમ કરી, તેને આવકારી પોતે ગુણના સમૂહરૂપ બની જાય છે. ગુણો એ આત્માની મૂળભૂત મિલકત (property) છે, તેથી તે ગ્રહણ કરવા પ્રમાણમાં સહેલા પડે છે. જેમ જેમ જીવના ગુણો વધતા જાય છે તેમ તેમ દોષ તૂટતા જાય છે, અને તેથી સ્વગુણથી નિષ્પન્ન થતાં સુખ અને શાતા માણવાનો અધિકારી તે જીવ થતો જાય છે. આ પ્રકારે ગુણગ્રાહી થવાનો ગુણ કેળવવાથી પોતાના અનંતે દોષોથી મુક્ત થઈ અનંત ગુણોનો ગ્રાહક થાય છે.
૩૫૧