________________
અઢાર પાપસ્થાનક
પણ કરાતી હોવાથી વ્યવહારની અંતરાય પણ મોટા પ્રમાણમાં પરપરિવાદી જીવો બાંધતા ફરતા હોય છે. આ બધા કર્મોને પોષનારું મિથ્યાત્વ તો આ પાપસ્થાનકે મોખરે રહે છે, કારણ કે સર્વ અસત્ અને હાનિકારી પ્રવૃત્તિમાં જ રસ ધરાવી, તેમાં જ પરંપરિવાદી ગળાબૂડ રહે છે. આવાં આકરાં ઘાતકર્મનાં બંધનની પાછળ અશાતા વેદનીય, અશુભ નામકર્મ તથા નીચગોત્ર બંધાય નહિ તો તે એક આશ્ચર્ય જ ગણાઈ જાય. આ બધું વિચારતાં સમજાય તેવું છે કે આવી તીવ્ર અશુભ પ્રવૃત્તિ કરનાર જીવને સન્માર્ગ મળવો ઘણો દુર્લભ છે.
ચારે કષાયની જુદી જુદી મેળવણી કરવાથી કેવા દુષ્કૃત થઈ શકે છે, અને તેનાં કેવાં ભયંકર પરિણામ આવી શકે છે તે કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય અને પરંપરિવાદ પાપસ્થાનકનો વિચાર કરતાં સમજાય છે. કષાયોની તરતમતાના આધારે જીવને તીવ્રમંદ બંધ થયા કરે છે. અને આ પાપસ્થાનનો સહુથી વધુ ઉપયોગ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ કરતો હોય એમ લાગે. કારણ કે આવી કુટિલતાનું સેવન કરવું અન્ય ગતિના જીવો માટે સહેલું નથી. પરપરિવાદ કરી શકવા જેટલી સંજ્ઞાની ખીલવણી અને અન્ય વિકૃત ભાવો કરવાનું સામર્થ્ય તેમની પાસે હોતું નથી. એટલે આ પાપસ્થાનક મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યોના સેવનમાં મુખ્યતાએ આવતું જણાય છે.
આ પાપસ્થાનના કષ્ટદાયી પરિણામોથી જેણે બચવું હોય તેણે ગુણાનુવાદ કરવાનો ગુણ ખીલવવો જોઇએ. દરેક જીવ છદ્મસ્થ અવસ્થામાં ગુણદોષથી ભરેલા જ છે. માત્ર દોષને મોખરે રાખી તેની પ્રસિદ્ધિ કરતા રહેવાથી જીવ પર પરિવાદ પાપસ્થાનકમાં ફસાય છે, તેનાથી વિરુધ્ધ રીતે ગુણને મોખરે કરી તેની પ્રસિદ્ધિ કરતા રહેવાથી જીવ ગુણાનુરાગી બની, પૂર્વકૃત અશુભને શુભમાં પલટાવતો જાય છે, પોતાના ગુણોનો વિસ્તાર વધારતો જાય છે અને કષાય ઉપર સંયમ મેળવતો જાય છે. આ ફેરફાર કોઇ પણ જીવ એકસામટો કે રાતોરાત કરી શકતો નથી, પણ સદ્દગુરુના આશ્રયે સાચી સમજ વિકસાવવાથી, પુરુષાર્થ કરતા રહેવાથી નવા બંધોને તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર તથા મંદતમ એ ક્રમે બાંધી વિકાસ કરી શકે છે. અને તેમાં વિજયી થાય છે.
૩૫૩