________________
કેવળી પ્રભુનો સાથ
સતત પડ્યા કરતા જ હોય છે. પાંચ પ્રકારનાં અંતરાય કર્મ ધુવબંધી છે, એટલે કે એ બધાનાં બંધ આત્મપ્રદેશ પર સતત પડતા જ રહે છે, તે ઠેઠ દશમા ગુણસ્થાન સુધી,
જ્યાં સુધી મોહનીયનો ઉદય છે ત્યાં સુધી. મોહનીય કર્મના ઉદયને લીધે બાકીનાં ત્રણ કર્મો સતત બંધાય જ છે. મોહ ક્ષીણ થતાં ક્ષપકશ્રેણિના દશમા ગુણસ્થાનના અંત ભાગમાં જીવ મોહનો બંધ પાડતાં અટકે છે, અને તે સાથે જ બાકીના ત્રણ ઘાતકર્મના બંધ પણ નીકળી જાય છે.
જે રીતે અંતરાયકર્મ ધુવબંધી છે, તે જ રીતે આ કર્મ ધુવોદયી પણ છે. બીજી રીતે કહીએ તો અંતરાય કર્મની પાંચે પ્રકૃતિનો ઉદય જીવને સતત રહેતો હોય છે; જીવના ભાવ અનુસાર તેના તરતમપણા પ્રમાણે બંધોદય પણ તીવ્રમંદ થાય છે, પણ મોહનીય કર્મનાં અસ્તિત્વ સુધી આ કર્મના બંધોદયથી જીવ છૂટી શકતો નથી. આમ દશમા ગુણસ્થાનના અંતભાગમાં મોહનીય ક્ષય થતાં, અંતરાયનો નવો બંધ થતો અટકી જાય છે, અને બારમા ગુણસ્થાને પૂર્વસંચિત અંતરાય કર્મની ઘાતી પ્રકૃતિનો ક્ષય કરી, બાકી રહેલી જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ પ્રકૃતિનો પણ સર્વથા નાશ કરી કેવળજ્ઞાન-દર્શન પ્રગટાવે છે. અંતરાય કર્મના ક્ષય સાથે જ આત્મા અનંતવીર્યનો સ્વામી થાય છે. આ પાંચે અંતરાયની પ્રકૃતિ બારમા ગુણસ્થાન સુધી સત્તામાં હોય છે, જેનો ક્ષય એ જ ગુણસ્થાને પૂર્ણપણે થાય છે.
આ અંતરાય કર્મનો જરા ઝીણવટથી અને વિશેષ ઊંડાણથી વિચાર કરવાથી આપણને સમજાય છે કે આ કર્મ બાકીનાં સર્વ કર્મને પણ વેદનીય કર્મની જેમ લાગુ પડે છે. કોઈ જીવને જ્ઞાનાવરણ તોડી જ્ઞાન મેળવવું હોય, તેનો તે જીવ પુરુષાર્થ કરતો હોય છતાં જ્યાં સુધી તે જ્ઞાનાવરણ કર્મની અંતરાય તોડતો નથી, ત્યાં સુધી તે જ્ઞાન મેળવવામાં સફળ થઈ શકતો નથી. એ જ પ્રમાણે જીવ જ્યાં સુધી દર્શનાવરણ કર્મ તોડવાની અંતરાયથી છૂટતો નથી ત્યાં સુધી દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધારી શકતો નથી. મોહનો નાશ કરવાને લગતી જીવની અંતરાય જ્યાં સુધી ક્ષીણ ન થાય ત્યાં સુધી જીવ મોહનો નાશ કરી શકતો નથી, મોહ ત્યાગી શકતો નથી. એ જ પ્રમાણે જીવની અઘાતી કર્મોને લગતી અંતરાય જાય નહિ ત્યાં સુધી જીવ તેનાથી મુક્ત
૩૧૬