________________
અઢાર પાપસ્થાનક
કરે છે અથવા મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે તેનું સમ્યક્ત્વ શુધ્ધ થાય છે. આવું શુધ્ધ સમ્યકત્વ ક્ષાયિક સમકિત' તરીકે ઓળખાય છે.
ક્ષાયિક સમકિતની પ્રાપ્તિનું મહાભ્ય અદ્ભુત છે. તેની પ્રાપ્તિ થયા પછી, જીવ મુખ્યતાએ તે જ ભવે અથવા વધુમાં વધુ ત્રીજા મનુષ્યભવે કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવવા સદ્ભાગી થાય છે. જીવ જ્યાં સુધી ક્ષાયિક સમકિત મેળવતો નથી, ત્યાં સુધી ક્ષપક શ્રેણિ માંડી શકતો નથી, તેવો જીવ ઉપશમ શ્રેણિમાં જ જાય અને અગ્યારમાં ગુણસ્થાનેથી પાછો ફરી, દોષના પ્રમાણમાં નીચે ઊતરી જાય છે. જ્યાં સુધી ક્ષાયિક સમકિત પ્રગટ થયું ન હોય ત્યાં સુધી જીવને માટે મોટામાં મોટો એ ભય વર્તે છે કે નબળા પાડેલા મિથ્યાત્વને ઉપ્તિ કરે એવો કોઈ બળવાન સહારો મળી જાય તો તે મિથ્યાત્વ વકરી, ઉદયમાં આવી જીવને સમ્યકત્વથી વિમુખ કરી નાખે છે. અર્થાત્ તેવા જીવનું સમ્યકત્વ વમાઈ જાય છે, અને તે જીવ મિથ્યાત્વી બની, ફરીથી સમ્યક્ત ન મેળવે ત્યાં સુધી સંસારમાં ભમ્યા કરે છે. આ હકીકત એ સાબિત કરે છે કે સર્વ પ્રકારનાં પાપબંધોમાં જો કોઈ ભયંકરમાં ભયંકર પાપબંધ હોય તો તે મિથ્યાત્વનો બંધ છે. મિથ્યાત્વનો નાશ કર્યા વિના સંસારની અલ્પતા કોઈ કાળે સંભવતી નથી. આ ઉપરાંત સર્વ કર્મોમાં સહુથી દીર્ઘ સ્થિતિ પણ દર્શનમોહની જ છે, તે છે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ. ચારિત્રમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમ છે, ત્યારે અન્ય ઘાતી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. આનાથી પણ એ જ પ્રમાણ મળે છે કે દર્શનમોહ સૌથી બળવાન કર્મ છે.
આ સમજણ મળતાં જીવને સહેજે વિચાર થાય કે આવું દર્શનમોહ-મિથ્યાત્વ કેવા પ્રકારના ભાવ સેવવાથી અને આચરણ કરવાથી બંધાય છે? શ્રી પ્રભુએ મિથ્યાત્વ બંધનના મુખ્ય કારણરૂપે વિષય તથા કષાયને ગણાવ્યા છે. વિષયવાસના અને કષાય જેટલા વધારે બળવાન એટલું વધારે બળવાન મિથ્યાત્વ બંધાય છે. વિષયવાસના એટલે ઇન્દ્રિયોના સુખની બળવાન વાસના અર્થાત્ ઇચ્છા. વિષય એટલે ઇન્દ્રિયનું સુખ, ઇન્દ્રિયોને જેનાથી શાતા લાગે તે વિષય કહેવાય છે. અને તે શાતા મેળવવાની અદમ્ય કે મંદ ઇચ્છા તે વાસના. આવી તીવ્ર કે મંદ ઇચ્છા પૂરી કરવા માટે જીવ
૩૨૧