________________
અઢાર પાપસ્થાનક
થઈ શકતો નથી. કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવ્યા પછી પૂર્ણ વીર્યવાન થયેલો આત્મા પણ અન્ય અઘાતી કર્મો છૂટે નહિ ત્યાં સુધી સિધ્ધ થતો નથી, તે હકીકત અંતરાયકર્મના અઘાતી વિભાગની સમજ આપણને પૂરી પાડે છે.
આવા મહા બળવાન અંતરાય કર્મથી બચવા માટે જીવે દયાનો ગુણ ખીલવવો ઘટે છે. જ્યારે જીવમાં સ્વપ૨ દયાનો ગુણ ખીલે છે ત્યારે તે તેને સ્વપણાથી વંચિત કરતો અટકાવે છે, અને નવા બંધાતા અંતરાય કર્મ ઓછાં થતાં જાય છે. આ ઉપરાંત ભૂતકાળમાં બાંધેલાં અને સંચિત કરેલાં અંતરાય કર્મની નિર્જરા કરવાનો ઉપાય એ છે કે શ્રી પ્રભુનાં અને ગુરુનાં શરણમાં જઈ, કરેલી ભૂલોનો શુધ્ધ હ્રદયથી પશ્ચાતાપ કરવો. આમ નવી બંધાતી અંતરાયનો સંવર અને જુની બાંધેલી અંતરાયની નિર્જરા કરવા દ્વારા, દયાના ગુણને વધા૨વાથી અને પશ્ચાતાપ સ્વીકારવાથી, અંતરાય કર્મને બેવડા દોરે આંટી શકાય છે.
અત્યાર સુધીની વિચારણા કરતાં આપણે જાણ્યું કે મોહનીય કર્મનો બંધ હોય તો જ અન્ય ત્રણ ઘાતી કર્મોના બંધ થાય છે. જ્યાં મોહનીય કર્મનો બંધ થતો નિવારાય છે ત્યાં આપોઆપ અન્ય ત્રણ ઘાતી કર્મોના બંધ પણ નિવારાઈ જાય છે. આપણે એ વખતે પ્રશ્નમાં ગુંચવાઈએ છીએ કે અન્ય ત્રણ કર્મોનાં કારણે મોહનીય બંધાતું હોય તેવું કેમ ન હોઈ શકે?
આ પ્રશ્નની વિચારણા કરવાથી શ્રી પ્રભુની કૃપાથી આમ સમજી શકાય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મના ક્ષયોપશમથી જીવમાં જ્ઞાન, દર્શન અને વીર્યગુણ પ્રગટ થાય છે. આ ત્રણે ગુણ એ આત્માનો સ્વભાવ છે, તે પરથી લક્ષ થાય કે આત્મસ્વભાવ પ્રગટવાથી નવીન કર્મનો બંધ થઈ શકતો નથી, થવો જ ન જોઇએ, કારણ કે નિજ સ્વભાવ જો બંધનું કારણ થાય તો થયેલા બંધથી છૂટાય કેમ ? એમ થતું હોય તો જીવ કદાપિ થયેલા બંધથી છૂટી શકે નહિ, અને વિશેષ વિશેષ સ્વરૂપ પ્રગટ થતું જાય તેમ તેમ તે વિશેષ બંધમાં બંધાતો જાય. તે તો કોઈ કાળે સંભવિત થાય જ નહિ.
૩૧૭