________________
કેવળી પ્રભુનો સાથ
વળી, આ ત્રણે કર્મોના ઉદયને કારણે જીવને જેટલાં જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપે છે, તે વડે પણ બંધ થઈ શકતો નથી; કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે, ત્યાં તે અભાવ અન્યને બંધનું કારણ કેમ થઈ શકે? તેથી આપણે કહી શકીએ કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનાં નિમિત્તથી ઉપજેલા ભાવ નવીનબંધનાં કારણરૂપ નથી.
સાથે સાથે મોહનીય કર્મનો વિચાર કરતાં જણાય છે કે જીવને અયથાર્થ શ્રદ્ધાને કારણે મિથ્યાત્વભાવ થાય છે, તેની સાથે ક્રોધ, માન, માયા તથા લોભ આદિ કષાયભાવ પણ થાય છે. આ સર્વ મિથ્યાભાવો જો કે જીવનાં જ અસ્તિત્વમય છે, જાદા નથી. જીવ જ તે ભાવોનો કર્તા છે, અને જીવનાં પરિણામરૂપે જ એનું કાર્ય થાય છે. આમ છતાં તે મિથ્યાભાવનું હોવું મોહકર્મના નિમિત્તથી છે, આ કર્મનિમિત્ત દૂર
થતાં મિથ્યાભાવનો અભાવ થાય છે અને સ્વભાવ પ્રગટ થાય છે. તેથી કહી શકાય કે મિથ્યાભાવ તે જીવનો નિજસ્વભાવ નથી પણ ઔપાધિકભાવ છે, અને એ ભાવો વડે નવીન કર્મનાં બંધન થયા કરે છે. તેથી મોહના ઉદયના કારણે ઉત્પન્ન થયેલા ભાવો જીવને બંધના કારણરૂપ છે એ સ્પષ્ટ થાય છે.
આ ઉપરાંતમાં અઘાતી કર્મોનો વિચાર કરીએ ત્યારે સમજાય છે કે તે કર્મો પણ કર્મનાં બંધનનાં કારણો થઈ શકતાં નથી. જો કે શ૨ી૨ આદિ નામકર્મની પ્રકૃતિ જીવના પ્રદેશોથી એકક્ષેત્ર અવગાહી થઈ એક બંધાનરૂપ જ હોય છે, છતાં તે પુદ્ગલ હોવાથી આત્માથી ભિન્ન જ રહે છે, અને ધનાદિ અન્ય દ્રવ્યો તો આત્માથી સ્પષ્ટ ભિન્નરૂપે જ છે, માટે એ બધાં બંધના કારણો નથી, કારણકે કોઇ પણ પરદ્રવ્ય બંધનું કારણ હોઈ શકે નહિ. પરંતુ તે પરદ્રવ્ય પ્રતિ આત્માને જે મમત્વ આદિ રૂપ મિથ્યાત્વાદિ ભાવો થાય છે તે જ આત્માને બંધનાં કારણો છે. મિથ્યાભાવ પણ આત્માના જ હોવાથી તે ચેતનરૂપ છે, અને ચેતન ચેતનથી બંધાઈ જડ પુદ્ગલ વર્ગણાને ગ્રહણ કરે છે અને તે પુદ્ગલ વર્ગણાના આઠ મુખ્ય પ્રકાર થાય છે. આ રીતે યથાર્થ વિચાર કરવાથી સમજણ સ્પષ્ટ થાય છે કે આઠે પ્રકારનાં કર્મબંધ થવાનું મુખ્ય કારણ મોહનીયના મિથ્યાત્વ અને કષાય સ્વરૂપ વિભાવો છે.
૩૧૮