________________
અઢાર પાપસ્થાનક
છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. આ બધી વાસ્તવિકતા પરથી સમજાય છે કે આ કર્મ કેટલું બળવાન છે. જો આના પર જીવ લક્ષ આપે નહિ તો હિંસા જીવને બીજાં અનેક પાપકર્મમાં ખેંચી જાય છે, એટલું જ નહિ પણ જો એનું સ્વરૂપ ઉગ્ર થાય તો જીવને અસંજ્ઞીપણામાં પણ જવાનો વખત આવે એવા બળવાન કર્મપાશમાં ફસાવી દે.
દર્શનાવરણથી બચવા માટે જીવ જો પોતામાં ક્ષમાનો ગુણ વિકસાવે તો તેને ધારી સફળતા મળે છે. ક્ષમા કરવી એટલે બીજા જીવોને અપરાધ બદલ શિક્ષા કરવાની વૃત્તિથી છૂટતા જવું; અથવા પોતાનાં સ્વાર્થની લોલુપતા માટે અન્યને કષ્ટમાં મૂકતાં અટકવું. આ કાર્યમાં જીવમાં દયાનો ગુણ પણ ભળે છે તેથી જીવ પોતાના દેહાધ્યાસને ઘટાડવામાં અને તોડવામાં સફળ થાય છે. દેહાધ્યાસ છૂટતાં જીવની દેહ અને આત્મા પ્રતિની વિપરીત દૃષ્ટિ સવળી થતાં, તેને દર્શનાવરણ કર્મ બંધાવાનું અલ્પ થતું જાય છે, અને સત્તાગત કર્મ ક્રમથી ભોગવાતું જાય છે. તે માટે મન, વચન કે કાયાના યોગથી જાણતાં કે અજાણતાં, એક થી સંક્ષીપંચેન્દ્રિય જીવોની જે વિવિધ પ્રકારે પોતાથી હિંસા થઈ હોય, થતી હોય કે થવાની હોય, તેની પશ્ચાતાપપૂર્વક ક્ષમા માગતાં રહેવાથી આ કર્મનું બળવાનપણું ક્ષીણ થતું જાય છે. વળી, હિંસાથી નિવૃત્ત થવા માટે, હિંસા ન કરવાનો નિશ્ચય કરી પાળવાથી દર્શનાવરણાદિ કર્મબંધથી જીવ બચતો જાય છે.
અજ્ઞાન અવસ્થામાં પણ જીવ સ્થૂળ હિંસાનો ત્યાગી થઈ શકે છે, અને સમ્યક્ત્વની પ્રાપ્તિ સાથે તે હિંસાને સૂક્ષ્મરૂપે પણ ત્યાગતાં શીખે છે. સર્વવિરતિ નામક છઠ્ઠા ગુણસ્થાને મુનિ સર્વ સ્થૂળ હિંસાથી છૂટે છે, અને સાથે સાથે તેઓ સૂક્ષ્મ હિંસાથી બચવાનો આરંભ કરે છે, જે ક્રમે ક્રમે સૂક્ષ્મ થતાં થતાં ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાનના અંતે, મોહ નાશ પામતાં હિંસાનો સંપૂર્ણ ક્ષય થાય છે, નવું દર્શનાવરણ કર્મ બંધાતું અટકે છે, અને બારમા ગુણસ્થાનના અંતે સત્તાગત દર્શનાવરણ કર્મ પણ ક્ષીણ થઈ જાય છે.
દયા સહિતના ક્ષમાના ગુણને ધારવાથી હિંસા તૂટતાં દર્શનાવરણ કર્મના બંધ અલ્પ અલ્પ થતા જાય છે. અને પૂર્વે કરેલા દોષ તથા બંધન માટે યોગ્ય પશ્ચાતાપપૂર્વક શ્રી પ્રભુની પાસે ક્ષમાયાચના કરવાથી નિર્જરાને ઘણો વેગ મળે છે.
૩૦૩