________________
કેવળી પ્રભુનો સાથ
આ હકીકત પરથી જ્ઞાનાવરણ કર્મની બળવત્તરતા સમજવામાં આવે છે, અને તેમાં પણ તેને દર્શનાવરણ કર્મનો સથવારો મળે ત્યારે તેનાં શક્તિમાનપણામાં કેટલો વધારો થઈ જાય એ વિચારવા યોગ્ય છે. જો સમજપૂર્વક આ કર્મને હરાવવામાં ન આવે તો જીવને કેવી નીચી કક્ષાએ ઊતરવું પડે તે સમજવું અઘરું નથી. વળી, જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ એકબીજા સાથે સારી રીતે સંકળાયેલાં છે. એક કર્મનું બળવાનપણું હોય તો તેના આધારે બીજાનું પણ બળવાનપણું થઈ જાય છે. એક કર્મ ખૂબ બળવાન અને બીજું કર્મ ખૂબ નિર્બળ એવું થતું નથી. બે કર્મો વચ્ચે સાધારણ તરતમપણું હોય છે, પણ જોરદાર તીવ્રમંદપણું થતું નથી. એ માટે જો હિંસા તથા જૂઠની અન્યોન્ય સોબતનો વિચાર કરીએ તો સહજતાએ આ સ્થિતિનું કારણ સમજી શકાય તેમ છે.
જ્ઞાનાવરણીય કર્મથી પોતાનું રક્ષણ કરવા માટે જીવે ત્યાગનો ગુણ ખીલવવો જોઇએ એવી ભલામણ શ્રી પ્રભુ આપણને કરે છે. જે મૃષા છે, ખોટું છે તે છોડતા જવાથી, તેનો ત્યાગ કરતા જવાથી જીવ સત્યનું આચરણ વધારતો જાય છે. એનાથી જેમ જેમ તેની પરપદાર્થ માટેની સુખબુદ્ધિ ઓછી થતી જાય છે, તે ત્યાગી થતો જાય છે, તેમ તેમ તેના સ્વમાં રહેવાના, સ્વમાં શમાવાના ભાવ વધતાં જાય છે, પરિણામે તેનું જ્ઞાનાવરણ કર્મ નબળું ને નબળું થતું જાય છે. સુખબુદ્ધિ ઘટતાં, પરપદાર્થનો મોહ ઓછો થવાથી તે મેળવવા માટેની હિંસાદિ પ્રવૃત્તિ અલ્પ થતી જાય છે, અને જીવનું દર્શનાવરણ કર્મ પણ હળવું થતું જાય છે.
આ પ્રમાણે સત્યવ્રતના આરાધનથી જ્ઞાનાવરણ કર્મનો અને તેના અનુસંધાનમાં દર્શનાવરણ કર્મનો સંવર થાય છે – એ કર્મોની આવણી ઘટે છે. વળી, પૂર્વકાળમાં મન, વચન તથા કાયાથી મૃષાના સેવનથી જે જે બંધન થયા હોય તેની યોગ્ય પશ્ચાતાપપૂર્વક ક્ષમા માગવાથી સંચિત આવરણોની નિર્જરા જલદીથી વધારી શકાય છે. તેથી જીવ
જ્યારથી સમજપૂર્વક શ્રી ગુરુનાં માર્ગદર્શન નીચે સત્ય મહાવ્રતની આરાધના શરૂ કરે છે ત્યારથી, તેનો જેમ જેમ ત્યાગગુણ ખીલતો જાય છે તેમ તેમ નવું જ્ઞાનાવરણ બંધાતું ઓછું થતું જાય છે, અને પૂર્વ કર્મ માટે પશ્ચાતાપ વધતો જાય છે, તેમ તેમ કર્મનિર્જરા જોર પકડતી જાય છે.
૩૧૦