________________
અઢાર પાપસ્થાનક
તો થાય જ છે, જેના અનુસંધાનમાં અતિ મંદ કષાય ઉદિત હોવાથી ઘાતીકર્મોના બંધ અતિ મંદ અર્થાત્ સંજ્વલન પ્રકારનાં થાય છે, અને અઘાતી કર્મોમાં શુભ નામકર્મ, ઉચ્ચ ગોત્ર તથા શાતા વેદનીય બંધાય છે. અને જો આયુષ્યનો બંધ આવે તો તે શુભ પ્રકારનો હોય છે. આ પરથી સમજાય છે કે સ્થૂળમાં સ્થૂળ ચોરીથી માંડી સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચોરી પણ જો જીવ કરે તો તેનાં ફળરૂપે અંતરાય કર્મની સાથે સાથે બીજાં ત્રણ ઘાતી કર્મો તેનાથી ગૌણરૂપે બાંધે છે એટલું જ નહિ અઘાતી કર્મની અશુભ કે શુભ પ્રકૃતિ પણ બાંધે છે.
આ અંતરાય કર્મનાં દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાયરૂપ પાંચ પ્રકાર છે. આ પ્રકારો સમજતાં જીવ કેવા પ્રકારની અંતરાય ક્યારે
બાંધે છે તેની સમજ આવે છે.
પોતાની પાસે વસ્તુ હોય, ખપ કરતાં વધારે હોય, બીજાને તેની જરૂર હોય, પોતે દાનનો મહિમા જાણતો હોય, છતાં બીજાને દાન આપી શકે નહિ તે દાનાંતરાય કર્મ. કૃપણતા એનું લક્ષણ છે. શ્રેણિક રાજાના સમયમાં થયેલી કપિલા દાસી આનું ઉદાહરણ છે. અન્ય જીવો જ્યારે દાન આપતા હોય ત્યારે તેની ટીકા કરવાથી, કોઇને કોઇ પ્રકારે તેના અવર્ણવાદ બોલવાથી, અથવા તેને પીડા પહોંચાડવાથી દાનાંતરાય નામનું કર્મ જીવ બાંધે છે.
આપનારને આપવાની ઇચ્છા હોય, લેનારની લેવાની ઇચ્છા કે માગણી હોય, વસ્તુ તૈયાર હોય છતાં કોઇ ને કોઇ કારણસર તે વસ્તુ પામી શકે નહિ, તેનો લાભ તેને ન મળે તે લાભાંતરાય. દાનાંતરાયના ઉદયથી જીવ દાન આપી શકતો નથી, લાભાંતરાયના ઉદયથી જીવ દાન નથી લઈ શકતો. શ્રી આદિનાથ પ્રભુને એક વર્ષ સુધી શુદ્ધ આહારની અને પાણીની પ્રાપ્તિ થઈ ન હતી તે કર્મ લાભાંતરાયનું હતું. અન્ય જીવ કંઇક મેળવતા હોય તેમાં અડચણ કે વિઘ્ન નાખવાથી લાભાંતરાય બંધાય
છે. નિર્ધન અવસ્થા, ખાવાપીવાની તંગી, જીવન જરૂરિયાતની વસ્તુઓનો અભાવ આ સર્વ લાભાંતરાયકર્મનાં પરિણામો છે.
૩૧૩