________________
કેવળી પ્રભુનો સાથ
ઇન્દ્રિય તથા મનના સાધનથી થતો દ્રવ્યનો પહેલા સમયનો સામાન્ય અવબોધ. કોઈ પણ પદાર્થની પહેલા સમયની પ્રાથમિક ઓળખાણ કે સમજણને દર્શન કહેવામાં આવે છે. તે પદાર્થની અન્ય સમયથી વિશેષ સમજણ પામી જ્ઞાનસ્વરૂપ આપવું તે જ્ઞાન કહેવાય છે. એ પરથી આપણે તારવણી કાઢી શકીએ કે જો પહેલા સમયની સમજણ (દર્શન) ખોટી કે અસત્ય હોય તો તે પછીની તેની વિશેષ સમજણ સાચી આવી શકે નહિ. જો દર્શન સત્ય હોય તો જ જ્ઞાન સત્ય હોઈ શકે. આથી કર્મોથી છૂટવાનો ઉપાય કરતી વખતે શ્રી પ્રભુએ દર્શનને શુધ્ધ કરવા સમજાવ્યું છે. જ્ઞાન તથા દર્શન બંને એકબીજા સાથે સંકળાયેલા હોવાથી તેનો વિચાર સાથે કરવો ઘટે છે.
આત્મા સિવાયના સર્વ પ્રકારના પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં સુખ રહેલું છે એવી માન્યતાવાળી સુખબુદ્ધિ કરવાથી જીવનું જ્ઞાનનું આવરણ બંધાય છે. જે પદાર્થ પોતાનો નથી, તે પદાર્થ વિશે પહેલા સમયની જાણકારી અશુધ્ધ હોવાથી તેના પછીના સમયમાં એ જાણકારીની વિશેષતા કરતી વખતે તેમાં સુખાભાસ થતો હોવાથી – અશુધ્ધ જ્ઞાન થતું હોવાથી જીવને તત્ સંબંધી જ્ઞાનાવરણ બંધાય છે. અશુધ્ધ દર્શન જ્ઞાનને અશુધ્ધ કરે છે. વળી, પરપદાર્થના ભોગવટામાં સુખ જણાતું હોવાથી તે પદાર્થો મેળવવાની, ભોગવવાની ઇચ્છા પૂરી કરવા માટે જે પ્રવૃત્તિ જીવ કરે છે તે કરવામાં એક થી ચાર ઇન્દ્રિય જીવોની હિંસા જાણતાં અજાણતાં કરે છે. પરિણામે જીવ જ્ઞાનાવરણ કર્મના અનુસંધાનમાં દર્શનાવરણ કર્મ પણ બાંધતો જાય છે. આમ આત્માના બે મુખ્ય ગુણો જ્ઞાન તથા દર્શન અવરાય છે. આવરિત થવામાં પહેલાં જ્ઞાનગુણ અને પછી દર્શન ગુણ આવતો હોવાથી જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મના ક્રમથી આ આવરણ ઓળખાય છે. પરંતુ આવરણ ન થવા દેવા માટે સમજી શકાય તેમ છે કે દર્શન વિશુધ્ધ થાય તો જ્ઞાનનું આવરણ હળવું કરવું સહેલું બને. આ હેતુએ શ્રી પ્રભુએ સમજાવ્યું છે કે હિંસાથી છૂટી દર્શન શુધ્ધ કરવાનો પુરુષાર્થ કરવામાં આવે તો તે તે પદાર્થો પર છે તે સમજણથી તેના માટેની સુખબુદ્ધિ છોડવામાં જીવ સફળ થતો જાય. આમ સુખબુદ્ધિ જે અસત્ય છે – મૃષા છે એનો ત્યાગ કરવા તરફ જીવ વળી શકે.
૨૯૦