________________
અઢાર પાપસ્થાનક
અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના શિષ્યો જડ અને વક્ર હોવાને કારણે અંતરંગ મોહને વશ થઈ, વ્રતની છટકબારી શોધી અકલ્યાણમાં અટવાઈ જાય એવું શ્રી પ્રભુને લાગ્યું હોવાથી, તેમણે પણ મોહનીય કર્મને નિવૃત્ત કરવા બે મહાવ્રતોની કડક નિયમો સાથેની રચના જણાવી હતી. તેમણે તેમના શિષ્યો માટે, તેમની પ્રકૃતિ જાણીને અપરિગ્રહ વ્રતના બે ભાગ કર્યા – સચેત અને અચેત. સજીવ આત્મા સાથેની સુખબુદ્ધિ – દેહસુખવૃત્તિ જીવને મિથ્યાત્વ ભણી દોરી જાય છે, અને અચેત પદાર્થો માટેની સુખબુદ્ધિ જીવને ચારિત્રમોહના પાશમાં લઈ જાય છે, એવું જાણી મોહનીયના બંને પ્રકારને પરાસ્ત કરવા કડક નિયમ સહિત બે મહાવ્રતની રચના કરી હતી. જેથી શિષ્યોને કર્મના પાશથી મુક્ત થવા માટે યોગ્ય માર્ગદર્શન મળતું રહે.
બે અંતિમ તીર્થંકર વચ્ચેના બાવીશ તીર્થંકર પ્રભુના શિષ્યો દક્ષ તથા વિનિત હતા, તેથી તેઓ થોડામાં ઘણું સમજી આચારમાં ઉતારનાર હતા. જો શિષ્યોને કહેવામાં આવ્યું હોય કે “સ્ત્રીઓના નાચગાન જોવામાં રોકાવાથી આત્મા વિકારી થાય છે” તો એવા કાળે શ્રી ઋષભદેવ પ્રભુના શિષ્યોની અમુક પ્રકારની જડતા હોવાને કારણે તેઓ સમજી શકે નહિ કે જે સર્વથી આત્મા વિકારી થાય તે સર્વ ત્યાજ્ય છે. તેઓ મંદબુદ્ધિને કારણે આજ્ઞાધીન થઈ સ્ત્રીઓના નાચગાન ન જુએ, પણ અન્ય કાર્યો કરતાં અટકે નહિ, તેથી શ્રી પ્રભુએ તેમના પ્રતિ કરુણા આણી સર્વ પ્રકારે તેઓ સુરક્ષિત રહે તે માટે બે મહાવ્રતની રચના સમજાવી તેમને સર્વ પ્રકારના વિકારથી બચાવ્યા હતા. તેમના પછીના બાવીશ તીર્થંકર પ્રભુના શિષ્યો એવા દક્ષ અને વિનિત હતા કે ઉપરની સૂચના શ્રી પ્રભુ તરફથી મળતાં જ તેઓ આત્મપ્રદેશ કંપે તેવા સર્વ વિભાવયુક્ત કાર્યોથી અલિપ્ત રહી પોતાના આત્મગુણોથી વિભૂષિત બની, સચેત અચેત સર્વ પદાર્થના આકર્ષણને ત્યાગી એક મહાવ્રતમાં જ બંને મહાવ્રતનું યથાર્થ પાલન કરી શકતા હતા. તેથી બાવીશે તીર્થંકર પ્રભુના સમયમાં ચાર મહાવ્રતનું યથાર્થ પાલન થતું હતું, અને ચારે ઘાતીકર્મોનો ઘાણ કાઢવા શિષ્યો સમર્થ થતા હતા; કારણ કે તેઓ પોતાની અપરિગ્રહબુદ્ધિ સચેત અચેત પદાર્થો પ્રતિ સમાનપણે પ્રવર્તાવી મોહથી છૂટી શકતા હતા. પરંતુ શ્રી મહાવીર પ્રભુના સમયમાં શિષ્યો જડ તથા વક્ર થઈ ગયા હતા.
૨૯૩