________________
અઢાર પાપસ્થાનક
સત્ય વ્રતનું આરાધન કરવાથી થાય છે. જ્ઞાન તથા દર્શનનાં આવરણને મજબૂત કરવામાં આત્માનાં વીર્યને – શક્તિને રોકનાર અંતરાય કર્મ છે. જીવનાં જ્ઞાન તથા દર્શન અવળા પ્રકારે પ્રવર્તે તો જીવ જગતનાં પુદ્ગલ પરમાણુને ભળતા જ પ્રકારે આકર્ષ, પરમાણુની ચોરી કરી સ્વવીર્ય સંધી નાખે છે. આવું અંતરાય કર્મ પણ જીવને આરંભકાળથી જ ચીટકેલું રહેલું છે. આ ચોરી પાપસ્થાનકથી છૂટવા જીવે ત્રીજા અચૌર્ય મહાવ્રતનો આશ્રય કરવો અનિવાર્ય છે. આ ત્રણે કર્મનાં બંધનનું મુખ્ય કારણ છે મોહનીય. મોહનીયનો દર્શનમોહ પ્રકાર જીવનું આત્મશ્રદ્ધાન રોકી, તેને દેહભોગ સુખની પાછળ ઘસડી જાય છે. અને મૈથુનવૃત્તિને ઉદ્દીપ્ત કરી ગમે તેવાં કુકર્મ કરવા પ્રેરે છે. જે જીવનાં અનાદિકાળથી પાછળ પડેલાં મિથ્યાત્વને બહેકાવે છે, અને સ્વરૂપથી ખૂબ ખૂબ દૂર ધકેલે છે. મોહનીયના આવા કસાઈકાર્યથી જીવને બચાવવા, મૈથુન પાપસ્થાનકથી છોડાવવા ચોથા બહ્મચર્ય મહાવ્રતના પાલનનો મહિમા પ્રભુએ અતિ સ્પષ્ટતાથી વર્ણવ્યો છે. જીવ પુરુષાર્થ કરી મિથ્યાત્વથી છૂટે, તો પણ તેને સ્વરૂપમાં લીન ન થવા દે તેવું ચારિત્રમોહ નામનું મોહનીય તેની પાછળ પડેલું જ છે. અને તેનું મુખ્ય કારણ બને છે જીવની પરિગ્રહ બુદ્ધિ. આ પાપસ્થાનકથી જીવને રક્ષણ આપવા પ્રભુએ પાંચમાં અપરિગ્રહ વ્રતનો પુરુષાર્થ વર્ણવી, સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિગ્રહથી જીવ રહિત બને – અર્થાત્ સર્વ પ્રકારનાં કાર્મણ પુદ્ગલથી છૂટે ત્યારે કેવાં અદ્ભુત, અવર્ણનીય અને શાશ્વત નિજસુખને પ્રાપ્ત કરે છે તેનો મહિમા વિવિધ અપેક્ષાએ ગાયો છે. આ રીતે પાંચ મહાવ્રતના આશ્રયથી જીવ ઘાતકર્મથી છૂટે છે, અને પાંચ અણુવ્રતના આશ્રયથી જીવ મુખ્યતાએ ઘાતી કર્મને દબાવવામાં સફળ થાય છે. આ બધી અપેક્ષાઓ સમજીને વિચારવાથી શ્રી પ્રભુએ વર્ણવેલા અઢારે પાપસ્થાનકનો ઘટસ્ફોટ થાય છે. શ્રી પ્રભુજીએ ખૂબ જ વિચારપૂર્વક, જે સ્થૂળ સૂક્ષ્મ ક્રિયાઓ જીવથી થયા કરે છે, તેનું ઉત્તમ પૃથકકરણ કરી તેનાથી બંધાતા ઘાતકર્મો નિવારવા તે તે ક્રિયાઓથી કેવી રીતે પાછા હઠવું, તે સ્થાનોના સંપર્કથી કેવી રીતે દૂર રહેવું, તે તે ક્રિયાઓને કેવી રીતે છોડતા જવી, તેનું સુંદર માર્ગદર્શન આપણને આપ્યું છે. અને પાપસ્થાનકોના સંપર્કથી છૂટવા તે માર્ગદર્શન આપણને ખૂબ જ ઉપકારી થાય તેવું છે.
૨૯૫.