________________
કેવળી પ્રભુનો સાથ
મનુષ્યાય માનવ તરીકે આત્માને ઓળખાવે તે કાળને મનુષ્ય આયુ કહે છે. મનુષ્ય કર્મભૂમિના, ભોગભૂમિના, આંતર દ્વીપના એમ અનેક પ્રકારે છે. તેના ભેદો પ્રભેદો સહિત, પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને ૩પ૩ પ્રકાર છે. મનુષ્યનું ભોગભૂમિમાં ઉત્કૃષ્ટ આયુ ૩ પલ્યોપમનું, કર્મભૂમિમાં એક કરોડ પૂર્વનું ગણાય છે. અને જઘન્ય આયુ અંતમુહૂર્ત પ્રમાણ છે. (૪૬)
તિર્યંચાયુ તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારમાં વહેંચાય છે. તિર્યંચને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમનું હોય છે અને જઘન્ય આયુ અંતમુહુર્ત છે. (૪૭)
નરકાયુ જીવના નરકમાં રહેવાના કાળને નરકાયુ કહે છે. નરક સાત છે, અને તે લોકના નીચેના ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આય તેંત્રીસ સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર વર્ષનું છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુ:ખ ભોગવવું પડે છે. (૪૮)
દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુ એ શુભ કર્મપ્રકૃતિ છે, અને નરકાયુ એ કર્મની પાપપ્રકૃતિ છે. આયુષ્ય કર્મ સાથે જીવ આગલા ભવમાંથી છ બોલ સાથે લઈને આવે છે: ૧. ગતિ, ૨. જાતિ, ૩. સ્થિતિ, ૪. અનુભાગ, ૫. પ્રદેશ અને ૬. અવગાહના.
નરકાદિ ગતિમાંથી આગામી ભવમાં કઈ ગતિ મળશે તે આયુષ્ય કર્મ નક્કી થતાં પાકું થઈ જાય છે. તે સાથે એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધીની પાંચ જાતિમાંથી કઈ જાતિમાં ઉત્પન્ન થવાનું છે તે નિશ્ચતિ થાય છે. વળી તે આયુષ્યનો કાળ કેટલો હશે, તે સ્થિતિબંધ થાય છે. જેટલા કાળનું આયુષ્ય બાંધ્યું હોય, તેટલા જ કાળ માટે ભોગવાય.
૨૩૨