________________
અઢાર પાપસ્થાનક
જે અનંત પરમાણુઓ કર્મ રૂપે ગ્રહણ થાય તેમાંથી અષ્ટવિધ બંધકને સૌથી ઓછા પરમાણુઓ આયુકર્મમાં જાય. નામ અને ગોત્ર કર્મમાં તેથી અધિક ભાગ આવે. અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મને વિશે તેનાથી પણ અધિક ભાગ આવે. મોહનીય કર્મને વિશે તેથી પણ અધિક પરમાણુઓ આવે કારણ કે તેની સ્થિતિ અધિક છે. વેદનીય કર્મને વિશે સર્વથી અધિક પરમાણુઓ હોય છે. વેદનીયમાં કર્મનાં થોડાં દળથી અનુભવ થતો નથી. વેદનીય સિવાયનાં કર્મોમાં અધિકી ઓછી સ્થિતિ અનુસાર સ્કંધોનો અધિક હીન ભાગ આવે છે.
પોતપોતાની મૂળ પ્રકૃતિરૂપ જાતિ વડે જે દલિક પ્રાપ્ત થાય, તેનો અનંતમો ભાગ તેની સર્વઘાતી પ્રકૃતિરૂપે આવે. જ્ઞાનાવરણ કર્મનો અનંતમો ભાગ કેવળજ્ઞાનાવરણ રૂપે પરિણમે, દર્શનાવરણનો અનંતમો ભાગ કેવળદર્શનાવરણ રૂપે, અને નિદ્રાપંચકને ભાગે આવે. મોહનીયનો અનંતમો ભાગ મિથ્યાત્વ અને બાર કષાયને ભાગે આવે. સર્વ કર્મ પુદ્ગલોમાં અનંતમો ભાગ જ સર્વઘાતી રસવંત હોય, અને શેષ અનુક્રમે હીન હીનતર હોય, સર્વઘાતી સિવાયનાં કર્મ દળિયાં રહ્યાં તે દેશઘાતી અને અઘાતી પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે.
કર્મ પુદ્ગલનાં પ્રકાર અને સંખ્યા નક્કી કરવામાં મુખ્યતાએ મનોયોગ અને વચનયોગ ભાગ ભજવે છે. જેમ જેમ વીર્ય ખીલે, તેમ તેમ વિશેષ કર્મનો જથ્થો આત્માના પ્રદેશો તરફ ખેંચાય છે. તેમાં મનોયોગ તથા વચનયોગ જેટલા શુદ્ધ અને શુભ થતા જાય તેટલા વિશેષ શુભ અને ઊંચા પ્રકારનાં પુદ્ગલ પરમાણુઓ આત્મા તરફ ખેંચાય છે. જ્યારે
જ્યારે આ યોગો અશુદ્ધ તથા અશુભ ને અસત્ય થાય ત્યારે ત્યારે અશુભ અને નબળાં પ્રકારનાં પરમાણુઓ આત્મા તરફ આકર્ષાય છે. જે પ્રકારનાં શુભાશુભ પરમાણુઓ આત્માને ચીટકે તે પ્રકારના ભાવિના શુભાશુભ ઉદયો નક્કી થાય છે.
કર્મનાં પુગલ પરમાણુને ખેંચવાનું કામ જેમ યોગ કરે છે અને તેનાથી કર્મની પ્રકૃતિ તથા પ્રદેશબંધ નક્કી થાય છે, તેમ તે કર્મ પરમાણુઓ કેટલા પ્રમાણમાં તીવ્રતા આપશે અને તે કેટલા કાળ સુધી રહેશે તેનું નિયંત્રણ કષાયને આધારે થાય છે, એટલે કે કષાયના તરતમપણા અનુસાર કર્મની સ્થિતિ અને રસ નક્કી થાય છે.
૨૮૫.