________________
કેવળી પ્રભુનો સાથ
હોય છે. નારકી તથા અસંજ્ઞી નપુંસકવેદે હોય છે. આ વેદથી જાગૃત થયેલો કામ સહેલાઇથી નિવૃત્ત થતો નથી. (૪૪)
આમ હાસ્યષટકુ અને ત્રણ વેદ મળી નવ નોકષાય થાય છે. તેમાં સોળ કષાય ભળવાથી પચ્ચીસ પ્રકૃતિ ચારિત્રમોહની ગણાય છે. અને દર્શનમોહની ત્રણ પ્રકૃતિ તેમાં ઉમેરતાં મોહનીય કર્મની કુલ અઢાવીશ પ્રકૃતિ થાય છે.
મોહનીય કર્મની અસરથી જીવ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેસે છે. એ સંસારમાં રખડાવનાર મુખ્ય કર્મ છે. તે ચેતનના સમ્યક્ત્વ ગુણને રોકે છે અને સાથે સાથે ચારિત્રગુણને પણ રોકે છે. આમ આ કર્મ ચેતનના બે મુખ્ય ગુણને રોકનાર હોવાથી એને ખૂબ આકરું કર્મ ગણ્યું છે. ચાર ઘાતકર્મોમાં તે ત્રીજું સ્થાન ધરાવે છે. આ કર્મને ઓળખવા માટે શ્રી ઉપમિતિભવપ્રપંચમાં યોગ્ય રૂપક યોજવામાં આવ્યું છે.
આઠે કર્મરૂપ રાજાઓમાં મોહનીયને મહારાજાનું સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. રાગદ્વેષને તેના પુત્રો બતાવ્યા છે. વિષય અભિલાષાને એનો મંત્રી જણાવ્યો છે. સોળે કષાયોને એના સિંહાસન પાસે રમતાં, ગેલ કરતાં બાળકો કહ્યાં છે. મકરધ્વજને તાબાના નાના રાજા તરીકે ઓળખાવ્યો છે. રતિને એની રાણી બનાવી છે. હાસ્ય, ભય તથા શોકને મકરધ્વજ સાથે પુરુષ તરીકે બેસાડયા છે; અને અરતિને સ્ત્રી તરીકે બેસાડી છે. તુચ્છતાને હાસ્યની પત્ની તરીકે બતાવી છે. આ આખા અસરકારક રૂપકનું સ્થાન ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદીમાં આવેલા તદ્વિલસિત બેટમાં મૂકી, ત્યાં ચિત્તવિક્ષેપ મંડપમાં તૃષ્ણા નામની વેદિકા મૂકી, તે પર વિપર્યાસ સિંહાસન પર મહામોહરાજાને બેસાડ્યા છે. આ વર્ણન અભુત છે.
મોહનીય કર્મની દર્શનમોહની પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે, ત્યારે ચારિત્રમોહની પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. અને એ બંનેની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની કહી છે. દર્શનમોહ કર્મ બોધ - ઉપદેશથી તૂટે અને ચારિત્રમોહ વીતરાગતાથી તૂટે છે. મોહનીય કર્મ મનથી જીતી શકાય છે, પણ વેદનીય કર્મ મનથી જીતી શકાતું નથી, તે વિપાકોદયથી ભોગવવું
૨૩)