________________
કેવળી પ્રભુનો સાથ
સુભગ-દુર્ભગ નામકર્મ
જે કર્મના ઉદયથી જીવ ઓછા કાર્યથી પણ માનપાન તથા પ્રેમ પામે તે સુભગ નામકર્મ છે તે પુણ્ય પ્રકૃતિ છે.(૧૪૬)
અને જે કર્મના ઉદયથી પુરુષાર્થ કરવા છતાં પણ અન્ય જીવો તરફથી પ્રેમ, માનપાન ન મેળવી શકે, પ્રવૃતિ શુભ હોવા છતાં અપ્રિય જ રહે તે દુર્ભગ નામકર્મનો વિપાક છે. આ પાપ પ્રકૃતિ છે (૧૪૭).
જો આ કર્મ ન હોત તો કોઇ કોઇને પ્રિય કે અપ્રિય ગણત નહિ. કાગડા કરતાં હિંસની પ્રિયતા, ઘોડા કરતાં ગધેડાની અપ્રિયતા આદિ આ કર્મને આભારી છે.
આદેય-અનાદેય નામકર્મ
જે કર્મના ઉદયથી જીવનું વચન માન્ય કરવા જેવું જ લાગે, તે આદેય નામકર્મ. શેઠ, સંઘના ઉપરી, રાજ્યના અમલદાર આદિનાં વચનો માન્ય થાય છે તે આ આદેય કર્મના કારણે હોય છે. આ પુણ્ય પ્રકૃતિ છે. (૧૪૮)
ત્યારે બીજી બાજુ ગમે તેવી હિતકારી વાત હોય, છતાં અનાદેય નામકર્મના ઉદયથી તેની વાતનો સ્વીકાર થતો નથી. આ કર્મમાં અન્ય દ્વારા વચનની માન્યતાનો મુદ્દો ઉપસ્થિત છે. અનાદેય નામકર્મ પાપપ્રકૃતિ છે. (૧૪૯).
યશકીર્તિ-અપયશ નામકર્મ
જે કર્મના ઉદયથી લોકોમાં નામના થાય, પ્રસિદ્ધિ વધે, સહુની ચાહના વધતી જાય તે યશકીર્તિ નામકર્મ. શૌર્યના પ્રસારણથી નામના થાય તે યશ, અને ઉત્તમ ચારિત્રને લીધે નામના થાય તે કીર્તિ. કીર્તિ નાના ક્ષેત્રમાં ફેલાય છે, ત્યારે યશનું ક્ષેત્રફલક વિશાળ હોય છે. આમ યશ એટલે સામાન્ય પ્રસિદ્ધિ અને કીર્તિ એટલે ગુણોની બિરદાવલી. આ શુભ નામકર્મ છે, પુણ્યપ્રકૃતિ છે. (૧૫)
૨૫૨