________________
કેવળી પ્રભુનો સાથ
છે. થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને કારણે થતા દોષ ન અટકાવવા કે ચલાવી લેવા તેનું નામ અવિરતિ. અવિરતિને કારણે આત્માનો ચારિત્રગુણ ઘાત પામે છે, ઉદિત થઈ શકતો નથી. ચારિત્રની ખામીને કારણે જીવ અનેકવિધ બંધ બાંધતો રહે છે. અવિરતિ પ્રભુજીએ બાર પ્રકારે વર્ણવી છે: માનસિક અવિરતિ ૧, પાંચ ઇન્દ્રિયોનો સંવર ન કરવો તે પાંચ, પાંચ એકેન્દ્રિય અને ત્રસ એ છકાયની હિંસાનો સંવર ન કરવો તે બીજા છ પ્રકાર.
આ બાર પ્રકારની અવિરતિનો નાશ કરવા સમ્યક્તના ઉદયથી જીવ પુરુષાર્થ કરે છે, અને ક્રમે ક્રમે સફળ થતો જાય છે. અમુક દોષોનો સંવર તથા બાકીનાનો અસંવર થવો એ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનની દશા છે. જ્યારે જીવ બારે પ્રકારની અવિરતિનો સંવર કરવામાં સફળ થાય છે ત્યારે તે છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાને આવે છે. આ સ્થળે જીવનો સ્વછંદ પ્રાયઃ દબાયેલો રહે છે. તે શ્રી પ્રભુ અને ગુરુની આજ્ઞાનુસાર સર્વથા વર્તવા પ્રયત્ન માંડે છે. જ્યાં સુધી અવિરતિ હોય ત્યાં સુધી ઇન્દ્રિયોના વિષયો કર્મબંધના હેતુ થાય છે. સંયમ આવતાં ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ રોકાઈ જાય છે, અને કર્મબંધની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
સર્વવિરતિ ગુણસ્થાને જીવ મુખ્યતાએ સ્વચ્છંદ નિરોધથી વર્તે છે, પણ સૂક્ષ્મતાએ પ્રમાદથી વર્તી કર્મબંધ કરતો રહે છે. આત્માને લાભકારી કુશળ કાર્યમાં આદરનો અભાવ અને કર્તવ્ય અકર્તવ્યના ભાનમાં અસાવધાની તે પ્રમાદ. આ પ્રમાદને શ્રી પ્રભુએ પાંચ પ્રકારે બાહ્યથી વર્ણવ્યો છે: મદ, વિષય, કષાય, નિદ્રા તથા વિકથા. આનું સૂક્ષ્મ રૂપ તે મન, વચન કે કાયાનો અલ્પ સ્વછંદ. જીવને જ્યાં સુધી મિથ્યાત્વનું જોર રહે છે ત્યાં સુધી પ્રમાદ ઉગરૂપે રહે છે, તેના ગયા પછી અવિરતિના જોરમાં પ્રમાદ હળવો બને છે, ત્યારે સર્વવિરતિના સાનિધ્યમાં પ્રમાદનું સ્વરૂપ ઘણું અલ્પ થઈ જાય છે. તે વખતે જીવ વિશેષ ઉદ્યમવંત થઈ અમુક કાળ માટે અપ્રમાદી બની સ્વરૂપમાં સ્થિર થાય છે. આ સ્થાનને સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન કહે છે. તે વધુમાં વધુ અંતમુહૂર્તકાળ રહે છે. તે પછી જીવ અલ્પપ્રમાદી થઈ છઠ્ઠા ગુણસ્થાને ઊતરી આવે છે.
૨૭૮