________________
અઢાર પાપસ્થાનક
પ્રવૃત્તિ ચાલતી રહે છે. જીવ જો અશુભ નિમિત્તમાં આવી જાય તો અધોગતિ અને શુભ નિમિત્તમાં આવી જાય તો ઉર્ધ્વગતિ પામતો રહે છે.
આવી ઉર્ધ્વગતિમાં જતો જીવ, અકામ નિર્જરા કરતાં કરતાં કર્મની સ્થિતિ મર્યાદિત કરે છે ત્યારે તેને સંજ્ઞા અર્થાત્ મનોયોગ મળે છે. મનોયોગ આવતાં જીવનું પરતંત્રપણું છૂટી સ્વતંત્રપણું આવે છે, અને તેનામાં પોતાને કલ્યાણકારી શું છે અને અકલ્યાણકારી શું છે તેનો વિવેક કરવા તે સદ્ભાગી થઈ શકે છે. સંજ્ઞી પંચેન્દ્રિયપણાની ચારે ગતિમાં સૌથી વધુ સંજ્ઞાની ખીલવણી મનુષ્યને જ હોય છે, એટલે કે મનુષ્યમાં સૌથી વિશેષ સારાસાર વિવેક પ્રગટે છે. આમ જીવને વીર્યનો સૌથી વિશેષ ઉઘાડ મનુષ્ય ગતિમાં હોય છે. સંજ્ઞીપણામાં અસંજ્ઞી કરતાં વીર્ય ઘણું વિશેષ હોવાથી પ્રત્યેક જીવને કર્મને નિવૃત્ત કરવાની તથા ગ્રહણ કરવાની શક્તિ અસંખ્યગણી થઈ જાય છે અને જે પ્રકારનો તે જીવનો મનોયોગ હોય તે પ્રકારે તેની ઉર્ધ્વગતિ કે અધોગતિ થાય છે. આ વીર્યને વિશેષતાએ ખીલવવામાં તથા સન્માર્ગે વાપરવામાં મુખ્યતાએ પુરુષો અને બળવાન વીર્યવાન જ્ઞાનીપુરુષોનો ફાળો ઘણો મોટો હોય છે. સંજ્ઞીપણામાં જીવ ધારે તો યોગને સન્માર્ગે પ્રવર્તાવી કર્મક્ષય પામે અને નહિતર એકેંદ્રિયપણા સુધીની અધોગતિ પણ પામે.
જીવની યોગશક્તિ જેમ જેમ વધતી જાય તેમ તેમ તે કર્મલિકોને મોટા ને મોટા પ્રમાણમાં ગ્રહણ કરતો જાય છે. સંજ્ઞી જીવ પોતાના સ્વતંત્ર શુભાશુભ ભાવ અનુસાર શુભાશુભ કર્મના જથ્થાને મોટા પ્રમાણમાં આકર્ષે છે. આકર્ષાયેલો કર્મ પરમાણુનો જથ્થો એકેંદ્રિયથી શરૂ કરી સર્વ છદ્મસ્થ જીવોમાં સાત કે આઠ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે, આયુષ્યનો બંધ થાય ત્યારે અંતમુહૂર્ત કાળ માટે કર્મ આઠ પ્રકૃતિમાં વહેંચાય છે, અને તે સિવાય સતત સાત પ્રકૃતિમાં તેનું વિભાગીકરણ થતું રહે છે. સામાન્યપણે અસંજ્ઞીપણામાં આશ્રવ કરતાં નિર્જરા વધારે થતી હોય ત્યારે જીવ ઇન્દ્રિય પ્રાપ્તિમાં આગળ વધે છે, અને જ્યારે તેને આશ્રવ કરતાં નિર્જરા ઓછી થતી હોય છે ત્યારે તે નીચે ઉતરતાં એક પછી એક ઇન્દ્રિય ગુમાવતો જાય છે. આમ થવાનો આધાર જીવનાં અંતરંગ પરિણામ ઉપર રહેલો છે, જેનું નિમિત્તે શુભાશુભ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે. પણ સંજ્ઞીપણામાં જીવ નિમિત્તાધીન થવું કે નહિ તે બાબત સ્વતંત્ર
૨૮૧