________________
અષ્ટકમ્
પુરુષાર્થથી ખેંચવામાં આવે છે. અને તે કાર્ય સામાન્ય રીતે મુનિ તથા આત્મદશાવાન જીવ કરી શકતા હોય છે. આ પ્રકારે કર્મની ઉદ્દીરણા કરી જીવ પોતાનો સંસારકાળ ઘટાડી શકે છે.
સત્તા કર્મ બાંધ્યા પછી જે પરમાણુઓ કર્મના સ્વરૂપે આત્મપ્રદેશ પર નિષ્ક્રિયપણે રહે, તે કાળમાં કર્મો સત્તાગત કહેવાય છે. આત્મા સાથે કાર્મણ વર્ગણા જોડાઈ ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે, જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ થાય છે. અને
જ્યારથી તેનું કર્મ તરીકેનું સ્વરૂપ શરૂ થાય છે ત્યારથી જ્યાં સુધી તેની આત્મા સાથેની વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી તે કર્મની સત્તા ગણાય છે. જેમકે કોઇએ નરકગતિનો બંધ કર્યો, તો તે બંધ થાય ત્યારથી તે ઉદયમાં આવીને ખરી જાય ત્યાં સુધી તેને નરકગતિના નામકર્મની સત્તા ગણાય, ક્યારેક જીવના પુરુષાર્થથી કર્મનું એક સ્વરૂપ બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે ત્યારે તે કર્મની સત્તા અન્ય કર્મની સત્તા રૂપે રૂપાંતર પામે છે. જેમ જેમ આત્મા શુદ્ધિનો વિકાસ કરે છે તેમ તેમ તેના બંધસ્થાનો અને સત્તાસ્થાનો તરતમપણાને પામે છે.
ઉદ્વર્તન જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે.
જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્વર્તન થયું એમ કહેવાય છે. શુભ કર્મનું ઉદ્વર્તન લાભકારી તથા અશુભકર્મનું ઉદ્વર્તન સામાન્ય રીતે જીવને હાનિકારી નીવડતું હોય છે. અપવર્તન એ જ પ્રકારે જીવે બાંધેલા કર્મની સત્તામાં ફેરફાર થાય છે, અને ઘટાડો થાય છે ત્યારે તેને અપવર્તન કહે છે. જીવ જે પ્રવૃત્તિ કરે છે, ભાવનું વેદન કરે છે તેના
૨૬૩