________________
પ્રકરણ ૪
અઢાર પાપસ્થાનક
ચતુર્ગતિરૂપ આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ પૂર્વમાં બાંધેલા કર્મ ભોગવીને નિવૃત્ત કરતો જાય છે, પરંતુ આ કર્મ ભોગવતી વખતે વિભાવ ભાવો કરી નવાં કર્મો બાંધતો પણ જાય છે. આમ બંધનની નિવૃત્તિ, નિવૃત્તિમાં બંધન, એ બંધનની નિવૃત્તિ અને વળી નવાં બંધનો એવો સૃષ્ટિક્રમ ચાલ્યા જ કરે છે. અને જે પ્રકારનાં કર્મો હોય તે પ્રમાણે જીવ આ સંસારમાં આમથી તેમ ફંગોળાયા જ કરે છે, તેમાં તેને ક્યાંય પણ સ્વતંત્રતા અનુભવાતી નથી, તે સતત મુખ્યતાએ અશાતા અને ગૌણતાએ શાતાનું વેદન કરતાં કરતાં કાળ વ્યતીત કરતો રહે છે.
આવું પરિભ્રમણ કરતાં કરતાં જીવ મુખ્યતાએ આઠ પ્રકારની કર્મ પ્રકૃતિનું બંધન, વેદન અને નિર્જરન કરતો રહે છે. તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે. જીવની શુધ્ધ અવસ્થાના મુખ્ય આઠ ગુણો : અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું અને અનંતવીર્યને કુંઠિત કરી સંસારમાં રખડાવનાર કર્મો અનુક્રમે આ પ્રમાણે છેઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મ.
જ્ઞાનને પ્રગટ થતું અટકાવનાર જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે છે: મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાનાવરણ (૫). દર્શન ગુણને આવરનાર દર્શનાવરણ કર્મ નવ પ્રકારે છે: ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા અને થિણદ્ધિ એ પાંચ પ્રકારની ઉત્તરોત્તર ગાઢ થતી નિદ્રા (૯). ભૌતિક શાતા અને અશાતામાં લઈ જઈ આત્માના અવ્યાબાધ સુખને અટકાવનાર વેદનીય કર્મ
૨૭૩