________________
અષ્ટકર્મ
પ્રકૃતિબંધ ૧૨૦ કહી છે, ત્યાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એક જ વખત ગણ્યા છે, પણ તે પુણ્ય તથા પાપ બંને પ્રકૃતિમાં આવતા હોવાથી સરવાળો ૧૨૪ થાય. વર્ણાદિ પુણ્ય અને પાપ પ્રકૃતિ એક સાથે બંધાતા ન હોવાથી ૧૨૦ બંધ પ્રકૃતિ ગણવી તે યોગ્ય જણાય છે.
અહીં આપણે જોયું તે પ્રમાણે ઘાતકર્મની સર્વ પ્રકૃતિ પાપ પ્રકૃતિ જ છે. કારણ કે કોઈ પણ માત્રામાં એ પ્રકૃતિ હોય તો પણ તે તેના પ્રમાણમાં આત્માના ગુણનો ઘાત કરે જ છે. ઘાતકર્મની ૪૫ પ્રકૃતિમાંથી ૨૦ પ્રકૃતિ સર્વઘાતી છે, એટલે કે પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ તે ગુણ દેખાય. એમાં કેવળજ્ઞાનાવરણ (૧), કેવળદર્શનાવરણ (૧), નિદ્રા (૫), મિથ્યાત્વ મોહનીય (૧) અને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ (૧૨) એ વીશ સર્વઘાતી છે. આ પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ ઉઘાડ થાય છે. બાકીની ૨૫ પ્રકૃતિ દેશઘાતી છે. એટલે કે જેમ જેમ કર્મનો ક્ષય થતો જાય તેમ તેમ આત્માના ગુણો ખીલતા જાય. તેમાં મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાનાવરણ (૪), ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શનાવરણ (૩), સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ (૪), નવ નોકષાય (૯) અને પાંચ અંતરાય (૫) નો સમાવેશ થાય છે.
આ ચાર પ્રકારનાં ઘાતી કર્મો વિભાવથી બંધાય છે. આત્મા સિવાયના પરપદાર્થમાં સુખબુદ્ધિ કરવાથી, એટલે કે એમાં સુખ રહેલું છે એવા ભાવ કરવાથી જ્ઞાનાવરણ બંધાય છે. સાચી સમજણથી વિરુધ્ધના ભાવ જ્ઞાનાવરણનો બંધ આત્મા પર કરાવે છે. આ સુખબુદ્ધિનો ત્યાગ કરવાથી જ્ઞાનાવરણના બંધ ક્રમથી ઘટતા જાય છે. એટલે કે ત્યાગનો ગુણ કેળવવાથી તથા સમ્યકજ્ઞાન અને જ્ઞાની માટે અહોભાવ વધારવાથી બાંધેલું જ્ઞાનાવરણ છૂટતું જાય છે. અને જીવનું જ્ઞાન અનુક્રમે ખીલતું જાય છે.
અમુક પદાર્થ મેળવવામાં અને ભોગવવામાં સુખ છે, એવી બુદ્ધિ થવાથી તે પદાર્થ મેળવવવા માટે જીવ પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન કરતાં કરતાં એક થી ચાર ઇન્દ્રિયવાળા અસંજ્ઞી જીવોની હિંસા જાણતાં કે અજાણતાં જીવ કરતો જાય છે. આ હિંસાથી જીવ પોતાને અને અન્યને સ્વરૂપથી વિમુખ કરે છે, ઊંધી દૃષ્ટિનું સેવન કરે છે;
૨૬૭