________________
કેવળી પ્રભુનો સાથ
જેને જેટલી પર્યાપ્તિ કહી છે તેટલી પર્યાપ્તિ પૂરી કરીને મરે તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે (૧૩૬). અને એ પર્યાપ્તિઓ પૂરી કર્યા પહેલાં મરે છે તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે (૧૩૭). જેણે પર્યાપ્તિ બાંધવાની શરૂ કરી છે પણ પૂરી થઈ નથી, છતાં તે પૂરી કરનાર છે તે કરણ અપર્યાપ્ત અને જેણે સર્વ પર્યાપ્તિ પૂરી કરી લીધી છે તે કરણ પર્યાપ્ત કહેવાય છે.
ટુંકમાં કહીએ તો જે કર્મની મદદથી આત્મા પોતાને યોગ્ય તમામ જીવનશક્તિઓ ચલાવવાના સાધનથી સંપન્ન થઈ શકે છે તે કર્મનું નામ પર્યાપ્ત નામકર્મ છે, અને જેને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરાવનાર કર્મ ન હોવાથી, પર્યાપ્ત પૂરી થયા વિના મરવું પડે તે અપર્યાપ્ત નામકર્મ છે. આવા જીવ અનુક્રમે પર્યાપ્ત તથા અપર્યાપ્ત કહેવાય છે. (૧૩૬-૧૩૭) પર્યાપ્ત નામકર્મ શુભ અને અપર્યાપ્ત નામકર્મ અશુભ છે.
પ્રત્યેક નામકર્મ - સાધારણ નામકર્મ
જીવને પોતાને માટે સ્વતંત્ર શરીર બાંધવાની શક્તિ આપનાર કર્મ તે પ્રત્યેક નામકર્મ છે. વિકલત્રય અને સંજ્ઞી પંચેન્દ્રિયને પ્રત્યેક નામકર્મનો ઉદય હોય છે. આ શુભ પ્રકૃતિ છે (૧૩૮).
અને જીવ પોતાને માટે સ્વતંત્ર શરીર બાંધી ન શકે, પણ અનંત જીવો વચ્ચે એક જ શરીર બાંધી શકે. તે સાધારણ નામકર્મ છે. સાધારણ એટલે સહિયારું. સાધારણ શરીરી જીવ બાદર કે સૂક્ષ્મ નિગોદમાં અને કેટલીક બાદર વનસ્પતિકાયમાં હોય છે. આ અશુભ પ્રકૃતિ છે. (૧૩૯)
સ્થિર-અસ્થિર નામકર્મ
શરીરમાં દરેક અવયવો વળી જાય તેવાં હોય તો શરીર ટટ્ટાર રહી શકે નહિ, તેથી હાડકાં, દાંત વગેરે સ્થિર રહે તેવાં મજબૂત હોવાં જોઇએ. આ જાતની સ્થિરતા ઉત્પન્ન કરનાર કર્મ સ્થિર નામકર્મ છે. આ કર્મ પ્રકૃતિ શુભ છે. (૧૪૦)
૨૫