________________
અષ્ટકર્મ
બીજી બાજુ સારાં કાર્યો કરે, બીજાનું હિત થાય એવી પ્રવૃત્તિ કરે તેમ છતાં તેનો અપયશ ફેલાય, તેના દોષો શોધી તેની પ્રસિદ્ધિ કરવામાં આવે તે અપયશ નામકર્મ છે. આ નામકર્મ પાપ પ્રકૃતિ છે, અશુભ છે. આ નામકર્મના ઉદયથી સદાચારી, સાત્ત્વિક વ્યક્તિ માટે પણ અપયશ ફેલાય છે. (૧૫૧)
આ પ્રમાણે નામકર્મની (૯૩ થી ૧૦૩) પ્રકૃતિની સમજણ લીધી. તેનાથી મનુષ્ય જીવનમાં ઘણી વિવિધતા સર્જાય છે. આ ૧૦૩ પ્રકૃતિના પેટાભાગ કરવા જઇએ તો અસંખ્ય થઈ શકે, પણ સરળતાથી નામકર્મને સમજવા માટે ૧૦૩ પ્રકૃતિનો આપણે વિચાર કર્યો છે.
કર્મની આ પ્રકૃતિઓ ત્રણ પ્રકારે પોતાનો પ્રભાવ બતાવે છે. જીવમાં રહેલા જ્ઞાનાદિ ગુણો પર વિપાક બતાવે તે જીવવિપાકી, પુદ્ગલરૂપે કે શરીર પર મુખ્યપણે ફળ બતાવે તે પુદ્ગલ વિપાકી. અમુક જગ્યાએ જ અને અમુક ભવમાં જ મુખ્યપણે ઉદયમાં આવે તે ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી પ્રકૃતિ કહેવાય છે.
કર્મની કુલ ૧૫૮ પ્રકૃતિમાંથી ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે, ૭૨ પ્રકૃતિ પુદ્ગલ વિપાકી છે, ૪ આયુકર્મ પ્રકૃતિ ભવવિપાકી છે, અને ૪ આનુપૂર્વી નામકર્મ ક્ષેત્ર વિપાકી છે. આગામી ભવમાં જતી વખતે વિગ્રહ ગતિએ વર્તતાં જીવને તે પોતાનો વિપાક દેખાડે છે માટે તે ક્ષેત્રવિપાકી કહેવાય છે. નામકર્મની ઉત્કૃષ્ટ સ્થતિ વીસ ક્રોડાક્રોડી સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ આઠ મુહુર્તની છે.
ગોત્રકર્મ
સાતમું ગોત્રકર્મ બે ભેદે છે. ઉચ્ચ ગોત્ર (૧૫૨) અને નીચ ગોત્ર (૧૫૩). જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ટ લાભો મળે છે. નીચગોત્રવાળાને જીવનની અસુવિધા, ગરીબાઈ આદિ હોય છે. આ ઉચ્ચ કે નીચ
૨૫૩