________________
અષ્ટકમ્
કર્મ પ્રકૃતિનો ક્રમ
આ પ્રમાણે આઠ મુખ્ય કર્મની ૧૫૮ ઉત્તર પ્રકૃતિ થાય છે. આઠ મુખ્ય કર્મમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે, તથા આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કર્મો છે. આ કર્મોને શ્રી પ્રભુએ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ ક્રમમાં જણાવ્યાં છે. આ ક્રમ રચનાનો હેતુ વિચારણીય છે. ચાર ઘાતી તથા ચાર અઘાતી કર્મોને સાથે રાખવાને બદલે બંનેનું મિશ્રણ કર્યું છે, તે ખૂબ સહેતુક હોવું જોઇએ એમ લાગે છે.
જ્ઞાન અને દર્શન બંને આત્માના ગુણો છે. આત્માને પહેલા સમયે પદાર્થની જે સામાન્ય જાણકારી આવે છે તે દર્શન અને તેનો બીજા સમયથી વિશેષ બોધ થાય છે તે જ્ઞાન. આ પરથી સમજાય છે કે આત્માને આવરણ આવે ત્યારે પહેલાં જ્ઞાન પર આવરણ આવે અને પછી દર્શન પર આવરણ આવે. અને જીવ જ્યારે આવરણ તોડે ત્યારે પહેલું જ્ઞાન પરથી આવરણ જાય અને દર્શન પરનું આવરણ તે પછી જ જાય. આમ બંધન કરતી વખતે તેમજ છોડતી વખતે દર્શન પહેલાં જ્ઞાન ગુણ સંડોવાય છે. એ અપેક્ષાનો વિચાર કરીએ તો જ્ઞાનાવરણ કર્મને દર્શનાવરણ કર્મ પહેલાં મૂક્યું. છે એ વ્યાજબી લાગે છે. વળી જ્યારે આત્મા કેવળજ્ઞાન લે છે ત્યારે પહેલાં જ્ઞાન પરનાં આવરણ નિ:શેષ કરે છે અને બીજા જ સમયે દર્શનના આવરણ નિ:શેષ કરી આત્માના બે મૂળભૂત ગુણો જ્ઞાન અને દર્શનને એક સમયના અંતરે પૂર્ણતાએ પ્રગટ કરે છે. જે બંને જ્ઞાન અને દર્શન કેવળી પર્યાયમાં તેમજ સિદ્ધ પર્યાયમાં અવિનાભાવી સંબંધથી આત્મા સાથે જ રહે છે. અને જીવની એકેંદ્રિય પર્યાયમાં પણ આ બે ગુણો આત્મામાં અંશે પણ પ્રગટ હોય છે, તેથી આપણે કહી શકીએ કે જ્ઞાન તથા દર્શન ગુણ આત્મા સાથે સીધો અને પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. આ ગુણવત્તાને કારણે આ બંને આવરણ કર્મ પ્રથમ, અને તેમાં પણ જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ ક્રમમાં મૂક્યાં છે તે યથાર્થ છે, યોગ્ય છે.
૨ ૫૭