________________
અષ્ટકમ્
૧૨. સ્પર્શ નામકર્મ (૧૧૦ થી ૧૧૭).
સ્પર્શ આઠ પ્રકારના ગણાય છે. તેમાં બે બેના જોડકાંરૂપ ચાર યુગલ તૈયાર થાય છે. આ સ્પર્શેન્દ્રિયનો વિષય છે.
ગુરુ – લઘુ સ્પર્શ (૧૧૦-૧૧૧) – ભાર સહિતનો સ્પર્શ તે ગુરુ સ્પર્શ અને પીછાં કે રૂનો હળવો સ્પર્શ તે લઘુ સ્પર્શ છે.
ખર – મૃદુ સ્પર્શ (૧૧૨-૧૧૩) બરછટ સ્પર્શ, ગાયની જીભ જેવો કઠણ સ્પર્શ તે ખર સ્પર્શ અને સુંવાળો માખણ જેવો સ્પર્શ તે મૃદુ સ્પર્શ છે.
શીત – ઉષ્ણ સ્પર્શ (૧૧૪-૧૧૫) ઠંડો બરફ જેવો સ્પર્શ તે શીત સ્પર્શ અને ગરમ ઊનો અગ્નિ જેવો સ્પર્શ તે ઉષ્ણ સ્પર્શ કહ્યો છે.
રુક્ષ – સ્નિગ્ધ સ્પર્શ (૧૧૬-૧૧૭) લુખો રાખ જેવો સ્પર્શ તે રુક્ષ સ્પર્શ અને ચીકાશવાળો ઘી, તેલ, ગુંદરના સ્પર્શ જેવો સ્પર્શ તે સ્નિગ્ધ સ્પર્શ કહ્યો છે.
આ આઠે પ્રકારનાં સ્પર્શ સ્પર્શેન્દ્રિયના વિષયો છે. તેમાંથી ગુરુ, ખર, શીત અને રુક્ષ સ્પર્શ અશુભ ગણાયા છે, તથા લઘુ, મૃદુ, ઉષ્ણ અને સ્નિગ્ધ સ્પર્શને શુભ ગણવામાં આવ્યા છે. દરેક જોડકામાંથી એકનું સંભવિતપણું હોય, બંને પ્રકાર એક સાથે સંભવે નહિ. તેથી વધુમાં વધુ એક સાથે ચાર પ્રકારનાં સ્પર્શ સંભવી શકે છે.
આ રીતે વિચારતાં પાંચ વર્ણ (ચક્ષુનો વિષય), બે ગંધ (નાકનો વિષય), પાંચ રસ (જીવ્હાનો વિષય), આઠ સ્પર્શ (સ્પર્શેન્દ્રિયનો વિષય) મળતાં ચાર ઇન્દ્રિયને લગતાં વીસ વિષયો થયા, તેમાં શ્રવણેદ્રિયના શુભ અવાજ, અશુભ અવાજ અને શુભાશુભ અવાજ એ ત્રણ ભેળવતાં પાંચ ઇન્દ્રિયના કુલ ત્રેવીશ વિષયો થાય છે. આમાંથી અગ્યાર અશુભ અને બાર શુભ છે. આ વિષયાભિલાષા જીવને સંસારનું પરિભ્રમણ કરાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.
૧૩. આનુપૂર્વી નામકર્મ (૧૧૮ થી ૧૨૧).
આત્મા અમર હોવા છતાં તે એક દેહ છોડી બીજા દેહમાં પ્રવેશ કરવા જાય છે તેમાં તેને એકથી ચાર સમય જેટલો કાળ લાગે છે. સમશ્રેણિએ થઈ આત્મા ઉપજવાના
૨૪૩