________________
અષ્ટકર્મ
પ્રકારના કષાયો જીવને નરક ગતિ તરફ ઘસડી જાય છે. અને તેનો ઉદય હોય તો જીવ સમકિત પ્રાપ્ત કરી શકતો નથી. ક્ષયોપશમ સમકિતમાં જીવ અનંતાનુબંધીને સત્તાગત કરે છે અને ક્ષાયિક સકિત લેતાં પહેલાં અનંતાનુબંધી કષાયનો ક્ષય કરે છે.
અનંતાનુબંધી ક્રોધની સરખામણી પર્વતમાં પડેલી ફાટ સાથે થાય છે. આ ફાટ સાંધવી કે પૂરવી અશક્ય જેવી છે, તેવો જ અનંતાનુબંધી ક્રોધનો પ્રભાવ છે. આનાથી માથાવાઢ વેર, આજીવન અબોલા, ખૂનામરકી આદિ પરિણામ આવે છે. આવો ક્રોધ જીવને મુખ્યતાએ દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રતિ તીવ્ર અણગમો વેદાય ત્યારે ઉત્પન્ન થાય છે.
અનંતાનુબંધી માનને પથ્થરના થાંભલા સાથે સરખાવાય છે. જેમ પથ્થરનો થાંભલો નમે નહિ, તેને વાળવો અશક્ય ગણાય, તેવો જ કઠણ માનનો પ્રકાર છે. એની અકડાઈ, અહમિંદ્રતા ખૂબ બળવાન હોય, અને બીજા પ્રત્યે તુચ્છભાવ વિશેષ હોય, સામાન્ય પણે અનંતાનુબંધી માન સન્દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્ર પ્રતિના બળવાન અવિનયથી બંધાય છે.
અનંતાનુબંધી માયા વાંસના મૂળની ગાંઠ જેવી હોય છે. તે ગાંઠ વાંકી જ હોય છે. તે કપાય પણ વાંકાઈ છોડે નહિ. અનંતાનુબંધી માયાવી ઢોંગ, દગો, દેખાવ આખા જીવન પર્યંત રાખે, અને કપટજાળ બિછાવ્યા જ કરે. મુખ્યતાએ સદેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્ર પ્રતિનું માયાકપટ આ કર્મના બંધનમાં જીવને લઈ જાય છે.
અનંતાનુબંધી લોભને કીરમજી રંગ સાથે સરખાવ્યો છે. લાલ કસુંબીરંગને હજાર પાણીએ સાબુથી ધોઇએ તો પણ જાય નહિ, તેમ આવા લોભી જીવનો સંસારી પદાર્થો પરનો આસક્તિભાવ એવો ઘટ્ટ હોય કે તેની સામે આત્મા કે સદેવ, ગુરુ શાસ્ત્રાદિ પ્રતિ અવગણનાના ભાવ ખૂબ મોટા પ્રમાણમાં વર્તતાં હોય.
અપ્રત્યાખ્યાની ચાર કષાયોનો કાળ સામાન્યપણે એક વર્ષનો ગણાય છે. અવિરતિ જતાં જીવમાં અંશે ત્યાગભાવ પ્રગટે છે. તેને દેશવિરતિ ગુણ કહે છે. સાચા શ્રાવકને પાંચમા ગુણસ્થાને દેશવિરતિ પ્રગટે છે. અપ્રત્યાખ્યાની કષાય જીવના દેશિવરતિ ગુણને અટકાવે છે. અપ્રત્યાખ્યાની કષાયના પ્રભાવથી જીવને તિર્યંચગતિ મળે છે.
૨૨૫