________________
કેવળી પ્રભુનો સાથ
પસાર કરવું દુ:ખરૂપ બને છે. નામકર્મની પ્રત્યેક પ્રકૃતિ સાથે અશાતા વેદનીયનો ઉદય તે કર્મના જોરને ગૌણ કરાવી જીવને શાતા કે અશાતાના અનુભવમાં લઈ જાય છે. અર્થાત્ નામકર્મની કોઈ પ્રકૃત્તિનો ઉદય હોય તેમાં શાતા વેદનીયના પ્રભાવથી તે પ્રકૃતિ જીવને શાતારૂપ લાગે છે, અને જો અશાતાનો ઉદય હોય તો તે પ્રકૃતિ જીવને અશાતારૂપ અનુભવાય છે. આ જ પ્રમાણે જીવ ઉચ્ચ કે નીચ ગોત્રના ઉદયમાં પણ સાથે વેદાતા શાતા અશાતા વેદનીય પ્રમાણે સુખદુ:ખ વેદે છે. વળી, અંતરાય કર્મનો ઉદય વેદતી વખતે પણ જીવ શાતા અશાતા અનુસાર અંતરાય કર્મને વેદતો હોય છે. કોઈને કોઈ પ્રકારની જ્ઞાનની અંતરાય હોય, પણ તેમાં જો શાતા વેદનીય હોય તો તે અંતરાય તેને જરા પણ અકળાવતી નથી, અને જ્યાં એમાં અશાતા વેદનીયનો ઉદય આવે કે તરત જ એ જ્ઞાનાંતરાય તેને ખૂબ દુઃખી કરી નાખે છે. આવું વેદનીય કર્મનું બળવત્તરપણું સર્વ અન્ય કર્મોના વેદનમાં ફેરફાર કરાવી નાખે છે.
જીવ જ્યારે કર્મબંધ કરે છે ત્યારે એક સાથે સાત કે આઠ કર્મનો બંધ કરે છે. આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એક જ વખત થાય છે, તે સિવાયના કાળમાં જીવને સતત સાત કર્મના બંધ પડતા રહે છે. અને કર્મનો જે જથ્થો આત્મપ્રદેશ પર ચીટકે છે તે સાત મુખ્ય પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. આમાંથી સહુથી મોટો જથ્થો વેદનીય કર્મના પરમાણુઓનો હોય છે. અને વેદનીય કર્મના ઘણા પરમાણુઓ હોવાથી જે કર્મ સાથે તે ભળે તેમાં મૂળ કર્મની અસરમાં વેદનીય મુખ્યપણું લઈ જાય છે.
આ કર્મ અઘાતી છે. તે આત્માના ગુણનો ઘાત કરતું નથી, પણ જીવને ઘાતી કર્મ બાંધવા માટે ખૂબ મોટું નિમિત્ત આપે છે. જીવને અશાતા ગમતી નથી તેથી તેના ઉદયમાં તે દ્વેષ વેદે છે, અને શાતાની અતિ પ્રિયતા તેને રાગના બંધનમાં ખેંચી જાય છે, પરિણામે મોહનીયમાં ફસાઈ બાકીના ત્રણ ઘાતી કર્મો અને ત્રણ કે ચાર અઘાતી કર્મોની જાળમાં જીવને ફસાવી દે છે. વળી, આ કર્મની ખાસિયત એવી છે કે વેદનીય કર્મને આત્મપ્રદેશે જીવે વેદવું જ જોઈએ. ઘાતી કર્મોની જેમ તેને પ્રદેશોદયથી સામાન્ય રીતે વેદી શકાતું નથી, તેથી આ કર્મને વેદતાં જીવને મુશ્કેલીનો પૂરો અનુભવ થાય છે.
૨૨)