________________
અષ્ટકર્મ
વેદનીય કર્મના ઉદયમાં, જો ભેદજ્ઞાન સંપૂર્ણપણે પ્રગટ થયું ન હોય તો તે વેદતી વખતે આત્મા દેહાકારે પરિણમે છે, અને દેહને પોતાનો માની લઈ વેદન કરે છે, પરિણામે આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગોમાં જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને શાતા કે અશાતા વેદની વેદતાં નિર્જરા જ થાય છે, અને તેમાં તેમના જ્ઞાનની કસોટી પણ થાય છે.
વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે. અને જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. પરંતુ તેથી ઓછી સ્થિતિનો બંધ અકષાયીને થાય છે. કષાય વગરના શ્રી કેવળી પ્રભુને એક સમયનો શાતા વેદનીય કર્મનો બંધ થાય છે. એ જ પ્રમાણે અગ્યારમા અને બારમા ગુણસ્થાને જ્યાં કષાયનો ઉદય નથી ત્યાં વેદનીયની સ્થિતિ માત્ર બે જ સમયની હોય છે, પહેલા સમયે બંધાય, બીજા સમયે વેદાય અને ત્રીજા સમયે તે કર્મ નિર્જરી જાય છે. તે૨મા ગુણસ્થાને વર્તતા કેવળી પ્રભુને આ જ ક્રમ હોય છે. અન્ય સહુ સકષાયી જીવોને વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની કહી છે.
મોહનીય કર્મ
સંસારના પરિભ્રમણ કાળ દરમ્યાન સૌથી આકરું કામ કરી જીવને ચકડોળે ચળાવનાર મોહનીય કર્મ ચોથું છે. આ કર્મ સહુ કર્મમાં રાજા સમાન છે. જ્યાં સુધી મોહનું અસ્તિત્ત્વ છે ત્યાં સુધી અન્ય સર્વ કર્મનાં બંધ સંભવિત છે, અને જેમ જેમ એ કર્મનું જોર નબળું થતું જાય છે તેમ તેમ અન્ય કર્મોનાં બંધ ઘટતાં જાય છે. આ અપેક્ષાથી આ કર્મ ખૂબ ભમાવનાર છે. સાથે સાથે આ કર્મ ભોળું પણ છે, વેદનીય કર્મ જેવું ચીકણું નથી, કારણ કે મોહનાં પડળો જીવ સવળો થાય તો એક સાથે ક્ષણમાં ભાંગીને ભૂકો કરી શકે છે. એક પછી એક મોહનાં કર્મ વિપાકઉદયથી વેદવા પડે તેવો નિયમ નથી, આ કર્મ પ્રદેશોદયથી બહુલતાથી વેદી શકાય છે, અથવા તો એક સાથે અનેક કર્મોની ઉદ્દીરણા કરી, ભોગવીને ખેરવી શકાય છે.
મોહનીય કર્મને મદિરા સાથે સરખાવવામાં આવે છે. મદિરા પીધેલો જીવ પડે, આખડે, ન સમજાય એવાં કામ કરે, જાત પરનો કાબૂ ગુમાવી ઢંગધડા વગરનાં
૨૨૧