________________
કેવળી પ્રભુનો સાથ
આ જ્ઞાન રૂપી, અરૂપી સર્વ દ્રવ્યોને સમકાળે જાણે છે. તેમાં ભેદ નથી, પ્રકાર નથી, અલ્પ કે વિશેષપણું નથી, તરતમતા નથી, ઉત્કૃષ્ટતા કે કનિષ્ઠતા નથી. તે સર્વ દ્રવ્યને સર્વ પર્યાય અને ગુણ સાથે જાણે છે, સાથે સાથે સર્વ ભાવોને પણ જાણે છે. એમાં અંશ માત્ર ફેર થતો નથી, સ્પષ્ટતામાં લેશ પણ ખામી નથી, સમય કે સ્થળનો તેમાં સંકોચ નથી કે વધઘટ નથી. માટે આ જ્ઞાનનો એક જ પ્રકાર છે. આ જ્ઞાનને આવરણ કરનાર કર્મ કેવળજ્ઞાનાવરણીય કહેવાય છે.
મતિ તથા શ્રુત એ બે પરોક્ષ જ્ઞાનમાં પ્રથમ સામાન્ય બોધ (દર્શન) થાય છે, પછી વિશેષ બોધ (જ્ઞાન) થાય છે. અપરોક્ષ અને પ્રત્યક્ષ જ્ઞાનમાં, અર્થાત્ બાકીના ત્રણ જ્ઞાનમાં પ્રથમ જ્ઞાન અને પછી દર્શન થાય છે. આ રીતે જ્ઞાનનો પરિચય થાય છે.
મતિજ્ઞાનના ૨૮ ભેદ, શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ (અથવા ૨૦), અવધિજ્ઞાનના છે ભેદ, મન:પર્યવ જ્ઞાનના બે ભેદ અને કેવળજ્ઞાનનો એક ભેદ ગણતાં જ્ઞાનનાં કુલ એકાવન ભેદ થાય છે. પેટાભેદ અને પ્રભેદ સુધી પહોંચતા તેનાં અસંખ્ય પ્રકાર થઈ શકે છે.
જ્ઞાનની આટલી સમજણ લીધા પછી તેને આવરણ કરનાર કર્મ જ્ઞાનાવરણની સમજ લઈ શકાશે. જ્ઞાન એ સૂર્ય છે, એ ચેતનનો મૂળ ગુણ છે, અને પોતે ચેતનરૂપ છે. તેના સ્વયંપ્રકાશિત જ્યોતિગુણની આડે આચ્છાદન કરવામાં આવે તેને આવરણ કહેવામાં આવે છે. દીવાની આડે કપડાંનો પડદો કર્યો હોય તો પ્રકાશ ઓછો દેખાય, વળી એકથી વધારે પડ કરાતાં જાય તેમ પ્રકાશ પણ ઘટતો જાય, એ જ પ્રમાણે જ્ઞાનપ્રકાશની આડે કર્મવર્ગણાના જેટલાં વધારે થર હોય તેટલું ઓછું જ્ઞાન સંભવે. આ જ્ઞાનને છાવરતાં કર્મવર્ગણાના થર જ્ઞાનાવરણીય કર્મ છે. જેટલા જ્ઞાનનાં ભેદ તેટલા પ્રકારનાં આવરણ હોય છે.
આમ છતાં એક બાબત સ્મૃતિમાં રાખવા યોગ્ય છે કે જ્ઞાનાવરણ કર્મ ગમે તેટલું ભારે હોય છતાં જ્ઞાનનો અતિ અતિ સૂક્ષ્મ ભાગ તો ખુલ્લો જ હોય છે. જીવ ક્યારેય સંપૂર્ણતયા જ્ઞાનાવરણ કર્મથી છવાતો નથી. વળી, જ્ઞાનાવરણ કર્મની વચ્ચે રહેલો
૨૧૨