________________
અષ્ટકર્મ
જીવને પાકી ઊંઘ આવે, તેને જગાડવા ઢંઢોળવો પડે, બૂમ પાડવી પડે, બારણા ખટખટાવવા પડે અર્થાત્ જેને જગાડતાં મુશ્કેલી થાય તેવા પ્રકારનું, સામાન્ય બોધને અટકાવનારું “નિદ્રા નિદ્રા” નામનું કર્મ પણ દર્શનાવરણ કર્મનું પેટા વિભાગીય કર્મ છે. (૧૧)
આ પછીનું નિદ્રાનું સ્વરૂપ તે “પ્રચલા”. પ્રચલા નિદ્રામાં જીવ બેઠા બેઠા કે ઊભા ઊભા પણ ઊંઘે છે. મનુષ્ય તથા તિર્યંચને આવી ઊંઘ હોઈ શકે છે. બળદ, ઘોડા આદિને ઊભા ઊભા ઊંઘતા આપણે જોઇએ છીએ, તે આ પ્રકારની નિદ્રાને કારણે હોય છે. પ્રચલાથી ઉત્પન્ન થતી દર્શનની અંતરાય “પ્રચલા” નામનું દર્શનાવરણનું પેટાકર્મ છે. (૧૨)
તેનાથી ઉચ્ચ કક્ષાનું નિદ્રાનું સ્વરૂપ તે “પ્રચલા પ્રચલા”. આ પ્રકારની નિદ્રાનો ઉદય આવે ત્યારે જીવને હાલતાં ચાલતાં ઊંઘ આવે છે. હાથી તો ચાલતાં ચાલતાં ઊંઘી શકે છે. ઘોડાના માટે તો કહેવાય છે કે તે દોડતાં દોડતાં પણ ઊંઘી શકે છે. આવી ઊંઘને કારણે જીવને સામાન્ય બોધ થતો અટકાય તે “પ્રચલા પ્રચલા” નામે દર્શનાવરણ કર્મનો પેટાભેદ છે. (૧૩)
આવી ઊંઘના એક ભયંકર પ્રકારને થિણદ્ધિ (સ્યાનગૃદ્ધિ)નું નામ આપવામાં આવ્યું છે. આ ઊંઘના ઉદય વખતે જીવ ઊંઘમાં દિવસે ચિંતવેલું કામ રાત્રે કરતો હોય છે. રાતના ચા બનાવી પીએ, દુકાન ખોલી માલ વેતરે આદિ અનેક પ્રવૃત્તિ ઊંઘમાં જીવ કરે, અને પાછો પોતાના સ્થાને જઈ સૂઈ જાય. સ્યાન એટલે આત્માની એકઠી થયેલી શક્તિ, તેને સ્ત્યાનર્ધિ કહે છે. અને વૃદ્ધિ એટલે મનની એકઠી થયેલી ઇચ્છાઓ. આ નિદ્રામાં જીવનું બળ ખૂબ વધી જાય છે. જીવ પોતા પરનો કાબૂ ગુમાવી બેસે છે, અને પરવશ બનેલો જીવ ઊંઘની અસર નીચે ન ક૨વા યોગ્ય કેટલાય કાર્યો કરી બેસે છે. આ નિદ્રાથી આત્માના દર્શનગુણને આવરણ થાય છે. (૧૪)
દર્શનાવરણ કર્મ ઘાતી કર્મ છે. તે આત્માના મૂળ દર્શનગુણને હાનિ કરે છે, જીવને સંસારમાં ૨ખડાવે છે; એટલું જ નહિ પણ જીવને થતા વિશેષ જ્ઞાનને પણ તે અટકાવનાર બને છે. દર્શન રોકાતાં જ્ઞાન રોકાઈ જાય છે.
૨૧૭