________________
કેવળી પ્રભુનો સાથ
કરવામાં આવે છે. એ જ ‘દર્શન’ શબ્દ મોહનીય કર્મના પ્રકારભેદમાં વાપરવામાં આવે છે ત્યારે તેનો અર્થ ‘શ્રદ્ધાની થાય છે. અને જુદા જુદા ધર્મ માટે ‘દર્શન’ શબ્દ પ્રયોજાય છે ત્યારે વિશિષ્ટ મત કે અભિપ્રાય સમજાય છે. ઉદા. જૈન દર્શન, બૌધ્ધ દર્શન, ઇત્યાદિ. તેથી દર્શન શબ્દ ક્યા અર્થમાં પ્રયોજાયો છે તે વિશે કર્મની સમજણ લેતાં ખાસ લક્ષ રાખવું જરૂરી છે.
શુદ્ધ અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. તેને સમગ્ર લોકાલોકનું પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન પ્રવર્તે છે. પણ તેનામાં રહેલા વિભાવ પરિણતિને કારણે કર્મ પુદ્ગલોએ તેનાં જ્ઞાનને આવરી લીધું છે, તે એટલે સુધી કે પોતા વિશેની જાણકારી પણ તે ગુમાવી બેઠો છે. અને ઠેઠ એકેંદ્રિયપણા જેટલી નીચી કક્ષાએ આવી ગયો હોય છે. આ સ્થિતિમાં તેનાં સર્વ કર્મો ખૂબ ભારે હોય છે. અને તેમાં જ્યારે જ્યારે તેને ઉત્તમ સપુરુષનો યોગ થાય છે ત્યારે કર્મ હળવાં કરતો કરતો સંજ્ઞી પંચેન્દ્રિય જીવની અવસ્થા સુધીનો વિકાસ કરે છે. જેમ જેમ તેનાં જ્ઞાનનાં આવરણો હળવાં થતાં જાય છે તેમ તેમ પદાર્થોને જાણવાની શક્તિનાં સાધનો પણ તેને વધારે મળતાં જાય છે. આ સાધનોના આધારે તેની સમજણ વધતી જાય છે.
શ્રી પ્રભુએ જ્ઞાનનાં પાંચ પ્રકાર જણાવ્યા છે. મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવ અને કેવળજ્ઞાન. જ્યાં સુધી જીવને સમ્યHજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન અને તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય છે, સમ્યકત્વ થયા પછી તે અજ્ઞાન જ્ઞાન”ની સંજ્ઞા મેળવે છે. અર્થાત્ તે સમ્યક્ થાય છે. એટલે કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે જ્ઞાનરહિત સ્થિતિ નહિ; પરંતુ અસમ્યક જ્ઞાન એવો અર્થ થાય છે. આ પરિભાષા અનુસાર કુમતિ અને કુશ્રુત એ બે અજ્ઞાન એકેંદ્રિયથી શરૂ કરી અસમ્યકત્વી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને પ્રવર્તે છે. વળી, અજ્ઞાન અવસ્થાનું અવધિજ્ઞાન કુઅવધિ તરીકે ઓળખાય છે અને સમ્યદર્શન પામેલા આત્માને પ્રગટેલું જ્ઞાન ‘અવધિજ્ઞાન' તરીકે ઓળખાય છે. અજ્ઞાનદશામાં મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાનની કોઇ જ સંભવિતતા નથી, તેથી જ્ઞાન-અજ્ઞાનના મળીને કુલ આઠ પ્રકાર થાય છે. આ પાંચે જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણ કર્મ કહેવાય છે. એ રીતે જ્ઞાનને આવરણ કરનાર મતિજ્ઞાનાવરણ,
૧૯૬