________________
કેવળી પ્રભુનો સાથ
આમ મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન વર્તમાનને અવલંબે છે, શ્રુતજ્ઞાનનો સંબંધ ભૂત તથા ભવિષ્ય સાથે પણ રહે છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું બાહ્ય કારણ છે, બાકી ખરું અંતરંગ કારણ તો શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંનેમાં મન અને ઇન્દ્રિયની દરમિયાનગિરિ તો જરૂર રહે છે, પણ મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનનું ફલક ઘણું વિસ્તૃત હોય છે. પોતાનો અભિપ્રાય અન્યને જણાવવા માટે મનનો કે ઇન્દ્રિયનો ઉપયોગ કરાતો હોવાથી શ્રુતજ્ઞાન બોલકું ગણાય છે. અન્ય જ્ઞાન મૂક છે. ઇન્દ્રિય અને મનના આધારે રહેલું આ જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. મતિજ્ઞાનમાં મનોવ્યાપારની પ્રધાનતા હોય છે, જ્યારે શ્રુતજ્ઞાનમાં વિચારના અંશોની મુખ્યતા અને અધિક્તા હોય છે. એમાં આગળ પાછળના સંબંધનું અનુસંધાન જળવાય છે. આથી મતિજ્ઞાન કરતાં વિશેષ પરિપક્વતા શ્રુતજ્ઞાનમાં જોવા મળે છે. ટુંકમાં કહીએ તો જ્ઞાનને જ્યારે ભાષામાં ઉતારવામાં આવે, એમની પાસેથી બીજાને તે જ્ઞાન પસાર કરવામાં આવે ત્યારે તે શ્રુતજ્ઞાન થાય છે.
સામાન્ય રીતે આપણી સમજ પ્રમાણે શ્રુતજ્ઞાનની વિગતમાં શાસ્ત્ર તથા આગમોના જ્ઞાનની હકીકત હોય એમ લાગે છે. પરંતુ તે સિવાય પણ શ્રુતજ્ઞાન સંભવિત છે. મનુષ્ય સિવાયની અન્ય ગતિઓમાં તેમજ અસંજ્ઞીપણામાં પણ શ્રુતજ્ઞાન છે. એવું શ્રી તીર્થકર પ્રભુનું વિધાન સ્પષ્ટ કરે છે કે બીજાને જણાવવા યોગ્ય સ્થિતિમાં મૂકી શકાય તે સર્વ જ્ઞાન શ્રુતજ્ઞાનની કક્ષામાં આવે છે. એકેંદ્રિયપણામાં પણ શ્રુતજ્ઞાનનો અંશ રહેલો છે. અલબત્ત, જીવ જ્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તે શ્રુતજ્ઞાન કુશ્રુત કે શ્રુત અજ્ઞાન રહે છે.
ઇન્દ્રિય દ્વારા મૂર્ત વસ્તુનું જ્ઞાન થાય છે, અને મન દ્વારા અમૂર્ત પદાર્થોનું જ્ઞાન થાય છે. અમૂર્ત પદાર્થોનું પ્રથમ સામાન્ય જ્ઞાન થાય, તેનો આગળ પાછળનો સંબંધ વિચારપંથમાં ન આવે ત્યાં સુધી તે જ્ઞાન મતિજ્ઞાનની કક્ષામાં રહે છે, એમાં અધિક અંશો થાય ત્યારે તે શ્રુતજ્ઞાનની કક્ષામાં આવે છે. સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં પાંચ ઇન્દ્રિયોથી માત્ર મતિજ્ઞાન થાય છે, અને મનથી મતિ તથા શ્રત બંને જ્ઞાન થાય છે.
૨૦૨