________________
અષ્ટકર્મ
આકર્ષાઈને આત્માને ચીટકે છે. યોગના કુલ પંદર પ્રકાર છે. મનના ચાર, વચનના ચાર અને કાયાના સાત પ્રકાર મળી પંદર પ્રકાર બંધહેતુરૂપ થાય છે.
આ રીતે મિથ્યાત્વના પાંચ, અવિરતિના બાર, કષાયના પચીશ અને યોગના પંદર બંધહેતુ મળીને સત્તાવન બંધહેતુ થાય છે. પ્રમાદનો અર્થ આત્મ વિસ્મરણ અને આત્માને લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો અભાવ તથા કર્તવ્ય-અકર્તવ્યના ભાનમાં અસાવધાની છે. આવો પ્રમાદ બાકીના ચારે કારણો સાથે જોડાતો હોવાથી તેને બંધહેતુના કારણોમાં અલગ ગણેલ નથી. બંધહેતુના કારણો ખૂબ વ્યવસ્થિત રીતે જણાવ્યાં છે. મિથ્યાત્વ હોય તો તેની પાછળનાં ચારે કારણો હોય જ, અવિરતિ હોય તો તેની પાછળનાં ત્રણ કારણો હોય જ, પણ મિથ્યાત્વ હોય વા ન હોય, એ રીતે પ્રમાદ હોય તો તેની પાછળનાં બે કારણો હોય જ, પણ મિથ્યાત્વ અને અવિરતિની ભજના. આમ પાંચે કારણો વિશે છે. બંધહેતુનાં કારણોનો ક્ષય પણ એ જ ક્રમથી થાય છે. પ્રથમ મિથ્યાત્વ, તે પછી અવિરતિ, તે પછી પ્રમાદ, તે પછી કષાય અને છેલ્લે યોગ નાશ પામે છે. આ કારણો જેટલી માત્રામાં ઓછાં થાય તેટલી માત્રામાં કર્મબંધ પણ ઓછા થાય છે, અને સર્વ કારણો નિવૃત્ત થતાં કર્મબંધ પૂર્ણતાએ અટકી જાય છે. કર્મબંધના હેતુઓ સર્વ કર્મને લાગુ પડે છે, એમાં એક કે વધારે કારણો મળે ત્યારે કર્મબંધ થાય છે.
કર્મબંધના પ્રકાર-પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ
અતિસૂક્ષ્મ કર્મવર્ગણાનો ચેતન આત્મા સાથે સંબંધ થાય તે બંધ. તેનાં ચાર પ્રકાર બને છેઃ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. કર્મનો આત્મા સાથે સંબંધ થાય તે વખતે આ ચાર બાબતો મુકરર થાય છે.
પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો છે તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ જ્ઞાનને આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે રોગ આપે છે, કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ આપે છે. વગેરે. આ પ્રમાણે કર્મની અસરની રીતભાતનું નામ ‘પ્રકૃતિ’ કહી શકાય.
૧૯૧