________________
કેવળી પ્રભુનો સાથ
જ્ઞાનદર્શનના ઉત્તમ ક્ષયોપશમના સાથથી મુનિ ચારિત્ર ખીલવતા જાય છે, અને યથાર્થ ચારિત્ર ખીલે ત્યારે તેઓ મેરુપર્વત જેવા અડોલ તથા અકંપ બને છે. તેઓ કોઈ પણ પ્રકારના ઉદયમાં અસ્થિર થતા નથી, ઘાતી કર્મોને વિનાશી શેષ રહેલાં અઘાતી કર્મોનો ક્ષય કરી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. જ્ઞાનની વિશુદ્ધિ થવાથી તેઓ બધા ભાવોને જાણી શકે છે, એટલે કે તેમનું સર્વજ્ઞપણું પ્રગટ થવાથી તેમનું સંસારભ્રમણ અંત પામે છે. તેમની જ્ઞાનની શ્રેષ્ઠતા સર્વને માન્ય થાય છે. એ જ રીતે તેમાં દર્શનની વિશુદ્ધિ ભળવાથી, તેમનો જ્ઞાનદીપક કદી ઓલવાતો નથી. સમય સમયનું જ્ઞાન અને દર્શન તેમને વર્યા જ કરે છે, જે તેમના યથાખ્યાત ચારિત્રને અણિશુદ્ધ બનાવે છે. આ ચારિત્રની સહાયથી મુનિ અકંપ – અડોલ બને છે, અને છેવટે સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે.
છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતા સપુરુષાર્થી મુનિને અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા તથા લોભનો ઉદય હોતો નથી, માત્ર તે કષાય સત્તામાં જ હોય છે. ઉદયમાં સંજ્વલન કષાયો જ હોય છે. તેથી ક્ષપક શ્રેણિમાં મુનિ સત્તાગત રહેલા અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાન કષાયોને તથા ઉદયમાં આવવા યોગ્ય સંજ્વલનાદિ કષાયોને ક્ષીણ કરવાનો પુરુષાર્થ સમયમાત્રનો પ્રમાદ કર્યા વિના આરંભે છે. સાથે સાથે બાકીના નોકષાયો અને અન્યત્રણ ઘાતી કર્મો પણ તોડતા જાય છે, આમ કરતાં કરતાં શ્રેણિના અંતે ચારે ઘાતી કર્મોનો નાશ કરી કેવળીપણું પ્રગટાવી, અનંત ચતુષ્ટયના ભોક્તા બને છે.
ક્ષપક શ્રેણિએ ચડતી વખતે મુનિ ત્રણ કરણ કરે છે. જે પ્રકારે સમ્યક્દર્શન મેળવતી વખતે તેમણે અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કર્યું હતું, તે જ પ્રકારે શ્રેણિમાં પણ મુનિ ત્રણ કરણ કરે છે. આરંભમાં સાતમાં ગુણસ્થાને તેઓ અધઃકરણ કરે છે, આઠમા ગુણસ્થાને અપૂર્વકરણ કરે છે, નવમાં ગુણસ્થાને અનિવૃત્તિકરણ કરે છે. આ ક્રિયાઓ કરવાની શક્તિ છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને જે પુરુષાર્થ થયો હોય છે તેના આધારે આવે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનિ સકામ નિર્જરા અને સકામ સંવર જે ઉત્કૃષ્ટતાથી કરે છે, બંનેને તેની ચરમ સીમા પર પહોંચાડે છે તેના
૧૭૮