________________
સમ્યક્ત્વ પરાક્રમ
આધારે તેમની શ્રેણિની ઉત્કૃષ્ટતા નક્કી થાય છે. આથી છટ્ઠા સાતમા ગુણસ્થાનનો મુનિનો પુરુષાર્થ એ સર્વ સોપાનોમાં શ્રેષ્ઠ છે, જે સમ્યક્ત્વ પરાક્રમનું સાતમું સોપાન છે. આ પગથિયા પર રહેલા મુનિ પોતાના પુરોગામી પાસેથી માર્ગદર્શન તથા ઋણ ગ્રહણ કરે છે, સાથે સાથે અનુગામીઓને માર્ગદર્શન આપી, તેમના ૫૨ ૠણ ચડાવી, પોતે ઋણમુક્ત થતા જાય છે. પહેલા છ સોપાનમાં જીવ માત્ર ઉત્તમ પુરુષોનું ઋણ ગ્રહણ કરતો જાય છે, આ સોપાન પર ગ્રહણ ત્યાગ બંને ઉત્તમ માત્રામાં થાય છે. ત્યારે શ્રેણિમાં ફરીથી, ઋણ સ્વીકારની જ પ્રક્રિયા છે, અને તે ઋણમુક્તિ અર્થે છેલ્લા સોપાનમાં કેવળીપ્રભુ માત્ર ઋણની ચૂકવણી નિસ્પૃહતાથી કરે છે.
સકામ નિર્જરા અને સકામ સંવરનું ઉત્કૃષ્ટપણું મુનિને સમ્યક્ત્વ પરાક્રમના આઠમા સોપાને – શ્રેણિમાં લઈ જાય છે, જે મન, વચન, કાયાની ગુપ્તિ સાથેની સમાધારણાની ચરમ સીમા કહી શકાય.
ક્ષપક શ્રેણિમાં શેષ રહેલા સત્તાગત અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની તથા સંજ્વલન કષાયો, અને ઉદયગત સંજ્વલન કષાયોનો પ્રમાદરહિતપણે ક્ષય શરૂ થાય છે. તે સાથે નોકષાય અને અન્ય ઘાતીકર્મોનો નાશ પણ આત્મા કરતો જાય છે. શ્રેણિની શરૂઆત સાતમા ગુણસ્થાને અધઃકરણ કરવાથી થાય છે, પણ આ ગુણસ્થાનનો સ્પર્શ તે પહેલાં અનેકવાર થઈ ગયો હોવાથી આઠમા ગુણસ્થાનથી જ્યાંથી અપૂર્વકરણ થાય છે, ત્યાંથી ગણાય છે. તે પછી આત્મા નવમા ગુણસ્થાને અનિવૃત્તિકરણ કરી દશમા સૂક્ષ્મ સં૫રાય નામના ગુણસ્થાને આવે છે. સમ્યક્દર્શન લેતી વખતે અંતભાગમાં જે પ્રક્રિયા થાય છે તે ક્ષપક શ્રેણિના દશમા અને બારમા ગુણસ્થાને થાય છે. ફરક એ છે કે સમ્યક્દર્શન વખતે ઘાતી કર્મો દબાય છે અને ક્ષપકશ્રેણિના દશમા તથા બારમા ગુણસ્થાને તે સર્વનો ક્ષય થાય છે. અર્થાત ચારિત્રમોહનીય કર્મ પૂર્ણતાએ વિનાશે છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને અપ્રત્યાખ્યાની ચતુષ્ક તથા પ્રત્યાખ્યાની ચતુષ્ક એ આઠે કર્મો ખપાવવાની શરૂઆત થાય છે. નવમા ગુણસ્થાનના પ્રથમ સમયે તે આઠે કષાય પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિના થાય છે. તે પછી ત્રણ નિદ્રા, નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકથી ચાર ઇન્દ્રિય જાતિ, આદિ નામકર્મની
૧૭૯