________________
સમ્યકત્વ પરાક્રમ
ઉત્કૃષ્ટતા થાય છે. આ ઉત્કૃષ્ટતા આવતાં જ્ઞાન, દર્શન, ચારિત્રની પૂર્ણ વિશુદ્ધિ થાય છે, આ વિશુદ્ધિથી જીવને શું લાભ થાય છે તેનું દર્શન સૂત્ર સાંઠ, એકસઠ અને બાસઠ એ ત્રણમાં કરાવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રી કેવળી ભગવાનનાં જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ કેવી હોય છે તે આ સૂત્રોમાં મૂકેલ છે.
“જ્ઞાન સંપન્નતાથી જીવ બધા ભાવોને જાણે છે, જ્ઞાનસંપન્ન જીવ ચાર ગતિરૂપ અંતીવાળા સંસારમાં નાશ પામતો નથી. જેમ દોરીવાળી સોય ક્યાંક પડી જાય તો ખોવાતી નથી, તેવી જ રીતે સસૂત્ર (શ્રુતસંપન) જીવ પણ સંસારમાં ખોવાતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગ પ્રાપ્ત કરે છે, તથા સ્વસમય અને પરસમયમાં અર્થાત્ સ્વમત – પરમતની વ્યાખ્યાઓમાં સંધાતનીય – પ્રામાણિક મનાય છે.”
“દર્શન સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનો નાશ થાય છે. તે પછી સમ્યત્ત્વનો પ્રકાશ ઓલવાતો નથી. શ્રેષ્ઠ જ્ઞાનદર્શનથી આત્માને સંયોજિત કરીને તેમને સમ્યકુ પ્રકારે આત્મસાત કરતો થકો વિચરે છે.”
“ચારિત્ર સંપન્નતાથી જીવ શેલેશીભાવ – શૈલેશ અર્થાત્ મેરુપર્વત જેવો સર્વથા અચલ – અકંપ બને છે. શૈલેશીભાવ પ્રાપ્ત અણગાર ચાર અઘાતી કર્મોનો ક્ષય કરે છે, ત્યાર પછી તે સિદ્ધ બને છે, બુદ્ધ બને છે, મુક્ત બને છે, પરિનિર્વાણ પામે છે અને બધાં દુ:ખોનો અંત કરે છે.”
આ ત્રણ સૂત્ર દ્વારા શ્રેણિનો આત્માનો વિકાસ બતાવી, જીવ શુદ્ધ, બુધ્ધ, મુક્ત થાય છે તેની ક્રમિક પ્રક્રિયા વર્ણવાઈ છે. જીવ સમ્યક્દર્શન પામ્યા પછી, સંસારસમુદ્રમાં ડૂબતો નથી, જ્ઞાનરૂપી દીપકના આધારે ઠેઠ કેવળજ્ઞાન સુધીનો માર્ગ વીંધી શકે છે. આવું જ્ઞાન વધતાં દર્શનની વિશુદ્ધિ થવાથી તે મિથ્યાત્વનો નાશ કરી, જ્ઞાનદીપક કદી ન ઓલવાય તેવો ઉત્તમ બનાવે છે. સાથે સાથે વિનય, તપ અને ચારિત્રના ગુણોને ખીલવી, સારાસારવિવેકને ઉત્તમતાએ પહોંચાડે છે. પરિણામે આત્માને કષ્ટરૂપ કે અહિતરૂપ એક પણ ક્રિયા કરતાં તે અટકે છે. આ રીતે જ્ઞાન તથા દર્શનની વિશુદ્ધિ મુનિ એકબીજાના સાથથી કરી, ચારિત્ર શુદ્ધિ તરફ વળે છે.
૧૭૭