________________
સમ્યકત્વ પરાક્રમ
મેળવી લીધું હોવાથી તે આત્મા સિદ્ધભૂમિમાં જાય છે, અર્થાત્ સિદ્ધ થાય છે. આત્મા
જ્યારે સિદ્ધભૂમિમાં સ્થિતિ કરે છે ત્યારે તે આત્મા બુદ્ધ થાય છે. એટલે કે તે આત્મા બોધસ્વરૂપની પૂર્ણતાએ પહોંચે છે અર્થાત્ તેનાં જ્ઞાનદર્શનને બાધા કરનાર એક પણ પરમાણુનો સ્પર્શ શુદ્ધાત્માને રહેતો નથી. આ આત્મા મુક્ત થાય છે, એટલે કે તે જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ થઈ આ પરિભ્રમણથી છૂટી જાય છે – મુક્ત થાય છે. તેને સંસારમાં રખડવાપણું રહેતું નથી. તે આત્મા પરિનિર્વાણ પામે છે. વાણ એટલે શરીરનો બાંધો, નિર્વાણ એટલે શરીરના બાંધા રહિત. પરિનિર્વાણ પામે છે એટલે ફરીથી શરીર ધારણ કરવાપણું રહેતું નથી; અર્થાતુ જ્યાં અશરીરી આત્માઓ વસે છે ત્યાં તેની ગતિ થાય છે. સિદ્ધભૂમિમાં તે આત્મા ગમન કરે છે. શરીર કે અન્ય પ્રકારનું કોઈ પણ બંધન ન હોવાનાં કારણે આત્માને કોઈ પણ પ્રકારનું દુ:ખ ભોગવવું પડતું નથી, તેથી કહ્યું છે કે તે બધાં દુ:ખોનો અંત કરે છે. આમ વિશુદ્ધિથી થતા ચરમ સીમા સુધીના લાભો વર્ણવી, ધર્મ આરાધનથી વિશુદ્ધિ થાય છે તે દર્શાવી, પ્રત્યેક જીવે ધર્મારાધન કરવા ઉત્સાહીત રહેવાનું છે એવો સંદેશો મુનિ સમ્યબોધ દ્વારા શ્રોતાઓને આપે છે. તેઓ ધર્મકથાનાં સાધનથી બોધ આપે છે.
ધર્મકથાની અસર નીચે જીવ પોતાની વૈષયિક સુખની વાંછા ઘટાડે છે. તે સંસારી પ્રવૃત્તિઓ કરવામાં અનાસક્ત થાય છે. અને તેને એકાંતવાસ તથા ઇન્દ્રિયસંયમની મહત્તા સમજાતી જાય છે. તેથી સંસારી જીવ બાહ્યની અશુભ પ્રવૃત્તિઓથી છૂટયા પછી, મુનિ જેમાં એકાગ્ર થતા હોય છે તેવા મોક્ષપ્રાપ્તિ માટે જરૂરી એવાં ચારિત્રપાલનની તૈયારી શરૂ કરે છે. આ તૈયારી કરવા માટે તેઓ મુનિ પાસે સુખશાતા, અનાસક્તિ, વિવિક્ત શૈયાસન, અને વિનિવર્તના જેવા અંગોની સમજણ માગે છે. આ સમજણ ત્રીસથી તેંત્રીસ સુધીના ચાર સૂત્રમાં અપાઈ છે. જે મુનિ સ્વયં પાળી, પોતાની ચારિત્રની શુદ્ધિ કરતા જતા હોય છે. આ સૂત્રોની રચના પરથી આપણને સમજાય છે કે સ્વાર કલ્યાણ કરવામાં મુનિ કેવી રીતે તરબોળ રહે છે. તેઓ પોતાના પુરોગામી પાસેથી ચારિત્ર વિશુદ્ધિ માટેનું માર્ગદર્શન મેળવી, તેનો
૧૫૯