________________
સમ્યકત્વ પરાક્રમ
એની વિચારણામાં જીવ ગરક થઈ જાય છે, તેનાથી મોક્ષ મેળવવામાં થતો વિલંબ સહન થતો નથી. આ મુંઝવણના ઉપાય રૂપે અઠ્ઠાવીસમાં સૂત્રમાં ‘તપથી જીવને શું મળે?' એ પ્રશ્ન પૂછી, ઉત્તરમાં જણાવ્યું છે કે, “તપથી જીવ પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરીને વ્યવદાન – વિશુદ્ધ બને છે.” સંસારની શારીરિક, માનસિક, આર્થિક આદિ સર્વભૌતિક સુખોની ઇચ્છાનો ત્યાગ કરી, કર્મની નિર્જરા કરવામાં એકાગ્ર થવું એ તપ છે. તપ બાર પ્રકારે છે, છ બાહ્યતા અને છ આંતરતા છે. તેમાંથી જે જે પ્રકાર સમભાવથી યોજી શકાય તે તે પ્રકારનો સાચો ઉપયોગ કરી, સંસારની આસક્તિ છોડી જીવ આરાધના કરવામાં એકાગ્ર થાય છે. આસક્તિનો ત્યાગ કરવાથી તથા પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્થિરભાવ રાખવાથી, મુનિની કર્મનિર્જરા બળવાનપણે થાય છે, સાથે સાથે આશ્રવ નહિવત્ રહે છે. આવા તપ દ્વારા મુનિ પોતાની આત્મશુદ્ધિ ઝડપથી વધારે છે, અને એ માટેનો સંર્બોધ પણ શ્રાવકશ્રાવિકાને આપી તેમને પણ વિશુદ્ધ થવા ઉત્સાહીત કરે છે.
આમ મુનિ શ્રુતની આરાધના, મનની એકાગ્રતા, સંયમ, તપની યથાશક્તિ પાલના કરી કર્મને નિવૃત્ત કરતા જઈ, પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ગુણમૂલક ખીલવણી કરતા જાય છે. જેની પ્રાપ્તિ પોતાને થઈ છે એવી વિશુદ્ધિની પ્રાપ્તિ સહુ જીવોને થાઓ એવા શુભભાવથી એ વિશેનો સર્બોધ તેઓ અન્ય સાધક તથા મુમુક્ષુજનોને આપે છે. આમ કરતી વખતે સત્ જિજ્ઞાસુને મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આત્માની આવી વિશુદ્ધિ મેળવવાનું ફળ શું હોઈ શકે? આ જિજ્ઞાસાના સમાધાન માટે તથા ધર્મક્રિયા કરવા માટેનું યથાર્થ લક્ષ મુમુક્ષુ બાંધી શકે એ હેતુથી, ઓગણત્રીસમાં સૂત્રમાં ‘વ્યવદાનથી જીવને શું મળે છે?' એમ પ્રશ્ન મૂકી, ઉત્તર આપ્યો છે કે, “વ્યવદાન (વિશુદ્ધિ)થી જીવને અક્રિયા (મન, વચન, કાયાથી ક્રિયાની નિવૃત્તિ) મળે છે. અક્રિય થવાથી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, અને બધાં દુ:ખોનો અંત કરે છે.”
પોતાના આત્માનું શ્રેય કરવાના હેતુથી જીવ જ્યારે મુનિજીવન સ્વીકારે છે ત્યારે તે આત્મશુદ્ધિ વધારવા સતત પ્રયત્નવાન રહે છે. તે માટે મુનિ પોતે પ્રાપ્ત કરેલા
૧૫૭