________________
કેવળી પ્રભુનો સાથ
સાધનોની શુદ્ધિ જેટલી વિશેષ તેટલો તેનો પ્રભાવ પણ વિશેષ. સાધન શુધ્ધ હોય તો પ્રવૃત્તિ કરતાં જીવને ઘણા અલ્પ દોષ સંભવે, અને કર્મનિર્જરા વધતી જાય. પરિણામે ભાવશુદ્ધિ પણ વધતી જાય. આમ કરણ શુદ્ધિની સહાયથી જીવ પોતે આરંભેલું કાર્ય સારી રીતે પાર પાડે છે. તે જે બોલે તે પાળી શકે એવી વચનસિદ્ધિ અને સચ્ચાઈ તેનામાં આવે છે.
આ સિદ્ધિથી વિશેષ પ્રગતિ થાય ત્યારે મુનિ ‘યોગસત્ય’ તરફ વળે છે. ત્રેપનમા સૂત્રમાં યોગસત્યથી જીવને શું મળે છે ?' એમ પૂછી જણાવ્યું છે કે, “યોગસત્યથી મન, વચન, કાયાના પ્રયત્નોની સચ્ચાઇથી જીવ યોગ વિશુદ્ધિ કરે છે.” સંક્ષીપંચેન્દ્રિય જીવને પંદર પ્રકારના યોગ હોય છે. તે બધામાંથી સત્ય મનોયોગ, સત્ય વચનયોગ અને સત્ય કાયયોગમાં રહેવા મુનિ સતત પ્રયત્નશીલ રહે છે. આ સત્યયોગના પ્રભાવથી મુનિ ઉત્તમ કલ્યાણના પરમાણુઓ ગ્રહણ કરે છે, એ શુભ પરમાણુઓને પોતાના આત્મપ્રદેશો પર ફેલાવે છે તથા તેનો ઉપભોગ કરી, પોતાના નવા કલ્યાણભાવને તેમાં ભેળવી જગતને તે પરમાણુઓ ભેટરૂપે આપે છે. આવી પ્રવૃત્તિના યોગથી મુનિને અશુભભાવમાં જવાપણું રહેતું નથી, અને પૂર્વકૃત અશુભ કર્મની નિર્જરા થતી જાય છે એટલે કે મુનિના સંવર તથા નિર્જરા તેનું શુદ્ધ સ્વરૂપ ધારણ કરતાં જાય છે.
ભાવસત્ય, કરણસત્ય અને યોગસત્યનું પાલન કરવા માટે મુનિ પોતાનાં મન, વચન અને કાયાને અમુક રીતે જ પ્રવર્તાવે છે, જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય. યોગના આ પ્રકારનાં પ્રવર્તનને મનોગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ કહે છે. ત્રણ સત્યના પર્યાયરૂપ જણાતી ત્રણ ગુપ્તિથી થતા લાભ જણાવવા ત્રણ સૂત્રો ચોપનથી છપ્પન રચાયાં છે.
“મનોગુપ્તિથી જીવ એકાગ્ર બને છે. એકાગ્રચિત્ત જીવ અશુભ વિકલ્પોથી મનનું રક્ષણ કરે છે, અને સંયમનો આરાધક બને છે.”
“વચનગુપ્તિથી જીવ નિર્વિકાર બને છે. નિર્વિકાર જીવ સર્વથા વાદ્ગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત હોય છે.”
૧૭૪