________________
કેવળી પ્રભુનો સાથ
આહારનો ત્યાગી), દેઢ ચારિત્રી, એકાંતપ્રિય, મોક્ષભાવયુક્ત જીવ આઠ પ્રકારનાં કર્મોની ગ્રંથિનું નિર્જરણ કરે છે.”
અન્ય જીવોનો સંપર્ક જ્યારે મુનિને પોતાના આત્મારાધનમાં બાધાકારક લાગે છે ત્યારે પોતાની યોગ્યતા વધતાં તેઓ એકાંતવાસ સ્વીકારે છે. એકાંતવાસમાં રહેવાથી કષાયના નિમિત્તોથી છૂટી પોતાનાં ચારિત્રનું રક્ષણ કરે છે, સાથે સાથે જંગલના હિંસક પશુ આદિના ઉપદ્રવો સામે નિર્ભય બની ટકી રહે છે અને ચારિત્ર વિશેષ મજબૂત કરે છે. જંગલમાં એકાંતમાં રહેવાથી જનસંપર્કથી મળતા પૌષ્ટિક આહારનો ત્યાગી બને છે, અને નિરસ આહાર કરવાથી મુનિ વિશેષ પ્રમાદરહિત થતા જાય છે. અપ્રમાદી બની એકાંતમાં મોક્ષાભિલાષાથી આરાધન કરતાં કરતાં આઠ પ્રકારનાં કર્મોની નિર્જરા સહજતાએ કરતા જાય છે, અને આત્મસુખ અનુભવે છે.
આ પ્રકારે જિનકલ્પી થવા, શ્રેણિ માટેની પોતાની પાત્રતા વધારવા મુનિ પોતાનાં અસંગભાવ અને એકત્વભાવના વધારતાં જાય છે. શ્રેણિએ ચડવા માટે એકત્વભાવનાનું ઘૂંટણ ખૂબ ઉપકારી છે, મુનિને જેમ જેમ કોઈ પોતાનું નથી અને પોતે કોઈના નથી, હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું અને મારા શુભાશુભ કર્મો હું એકલો જ ભોગવવાનો છું એ ભાવનું સિદ્ધત્વ થતું જાય છે, તેમ તેમ તેમની શ્રેણિ માટેની તૈયારી વધતી જાય છે. આ રીતે એકાંતવાસમાં રહેવાથી સુપાત્ર મુનિ પોતાની વિનિવર્તના વધારે છે, પોતાનાં મન તથા ઈન્દ્રિયોને સંસારીભાવથી દૂર રાખે છે; તે મારફત તેઓ પોતાનું ચારિત્ર શુદ્ધ તથા ઉચ્ચ કરતા જાય છે અને કર્મનિર્જરા પણ વધારતા જાય છે. પોતાને સંસારીભાવથી અલિપ્ત કરવાથી શું ફળ મળે એવી મતલબનો પ્રશ્ન સૂત્ર તેત્રીસમા પૂછયો છે, ‘વિનિવર્ધનાથી જીવને શું મળે છે?' તે જ સૂત્રમાં તેનું સમાધાન આપ્યું છે કે, “વિનિવર્ધનાથી – મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધનાથી જીવ પાપકર્મ ન કરવા તત્પર રહે છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાથી કર્મોને નિવૃત્ત કરે છે. ત્યાર પછી ચાર અંતવાળા સંસાર અટવીને જલ્દી પાર કરે છે.” આ પ્રશ્નોત્તરમાં મુનિની જિનકલ્પી થવાની પૂર્ણ તૈયારી જણાય છે.
૧૬૨