________________
કેવળી પ્રભુનો સાથ
મુનિ શ્રેણિ માંડવાની ધગશથી આત્મામાં લીન થાય છે, ત્યારે તેમને જીવન કે મરણ એકેની આકાંક્ષા રહેતી નથી, માત્ર સ્વરૂપસિદ્ધિ મેળવવી અને સ્વરૂપમાં લીન રહેવું એ એક જ લક્ષ પ્રવર્તતું હોય છે. તેથી કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ વિશે, દેહ રહે કે જાય તે સર્વમાં સમાનભાવ જ પ્રવર્તે છે. આત્મા પૂર્ણ શુદ્ધ થવાના પ્રયત્નમાં જ લાગ્યો રહે છે. આ પ્રકારે વત મુનિ ધર્મ આરાધનનો સમ્યક્ત પરાક્રમનો છેલ્લો પુરુષાર્થ ઉપાડવા કટિબધ્ધ થાય છે. આ છેલ્લો પુરુષાર્થ એટલે ક્ષપક શ્રેણિ. ઊંડી આત્મનિમગ્નતાથી મુનિ ક્ષેપક શ્રેણિએ ચડે છે. અને તેમાં તેમને કષાયના પચષ્માણ થાય છે. સાડત્રીસમાં સૂત્રમાં કષાયના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે?' તેનું ફળ દર્શાવ્યું છે કે, “કષાયના પ્રત્યાખ્યાનથી વીતરાગભાવ થાય છે. વીતરાગભાવથી જીવ સુખદુ:ખમાં સમાન બને છે.”
જીવ ક્ષપકશ્રેણિ શરૂ કરે તે સમયથી જ સત્તાગત અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરતો જાય છે એક પણ કર્મ ઉપશમાવતો નથી, એટલે કે તે જીવ કષાયના પ્રત્યાખ્યાન વધારતો જઈ આત્મસ્વરૂપ પ્રગટાવતો જાય છે. દેશમાં ગુણસ્થાનના અંતે આત્મા સંપૂર્ણ કષાયરહિત થાય છે. ચારે પ્રકારના કષાયનો સંપૂર્ણ ક્ષય કર્યા પછી ચારે ઘાતકર્મો બારમા ગુણસ્થાને પૂર્ણતાએ નાશ પામે છે. અને આત્મા પૂર્ણ વીતરાગી થાય છે. પૂર્ણ વીતરાગતા એ ધર્મ આરાધનનું અંતિમ ધ્યેય છે. આ ધ્યેય હાંસલ કર્યા પછી આત્મા શાતા અશાતા પ્રતિ સંપૂર્ણ નિસ્પૃહ બને છે. ચાર ઘાતી કર્મની નિવૃત્તિ પછી ચાર અઘાતી કર્મનો ભોગવટો કરવા માટે મન, વચન તથા કાયાના યોગ રહે છે. તે યોગ સાથેના એક સમયના જોડાણને કારણે આત્માને શાતા વેદનીય કર્મનો બંધ પડે છે. બીજા જ સમયે તે કર્મ ભોગવાઈ નિર્ભરે છે. જ્યારે શ્રી કેવળીપ્રભુ આ યોગ સાથેના જોડાણના પણ પ્રત્યાખ્યાન કરે છે, ત્યારે તેનું ફળ આડત્રીસમા સૂત્રમાં આ પ્રમાણે જણાવ્યું છે, “મન, વચન, કાય વિષયક યોગ – વ્યાપારના પ્રત્યાખ્યાનથી અયોગત્વ પામે છે, અયોગી જીવ નવાં કર્મોનો બંધ નથી કરતો, અને પૂર્વબધ્ધ કર્મોની નિર્જરા કરે છે.”
૧૬૬