________________
સમ્યકત્વ પરાક્રમ
માત્ર મોક્ષાર્થે થાય છે, પરિણામે સર્વ બાબતમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ વિશે તે મહાત્મા નિસ્પૃહપણે વિચરી ઋણમુક્ત થતા જાય છે, નવું ઋણ લેવાનું અલ્પાતિઅલ્પ કરતા જાય છે. સામાન્ય સંપર્ક પણ છોડી મુનિ એ બંધનથી પણ મુક્ત રહે છે. આમ મુનિ સહવાસી સાથી મુનિના પણ ત્યાગી બને છે.
આ પ્રકારનો વિશેષ સંયમ પ્રગટવાથી મુનિને જે અલ્પ ઉપકરણો તેમણે રાખ્યા હોય છે તેનો પણ ભાર લાગવા માંડે છે. તે ઉપકરણોને સાચવવા, સંભાળવા, સ્વચ્છ રાખવા આદિ યત્ના કરવામાં વપરાતો સમય તેમને હવે આત્મબાધક લાગતો હોવાથી તેના પણ ત્યાગી થવાનું તેઓ ઇચ્છે છે. પાંત્રીસમાં સૂત્રમાં “ઉપધિ ના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે?” તેની સમજણ રૂપે કહ્યું છે કે, “ઉપધિ (ઉપકરણ)ના પ્રત્યાખ્યાનથી જીવ નિવિને સ્વાધ્યાય કરે છે. ઉપધિરહિત જીવ આકાંક્ષામુક્ત થઈને ઉપધિના અભાવમાં ક્લેશ પામતો નથી.” ઉપકરણોના પ્રત્યાખ્યાન કરવાથી મુનિ જરા સરખી બાહ્ય જંજાળ રહી હતી તેનાથી પણ છૂટી જાય છે, અને તે સમયનો ઉપયોગ આત્માના આરાધનને વધારવા માટે કરે છે. વળી ઉપકરણો મેળવવા, રાખવા, સંભાળવા આદિ સંબંધી ઇચ્છા છૂટી ગઈ હોવાથી, તેના અભાવમાં પણ મુનિને કોઈ પણ પ્રકારનો
ક્લેશ થતો નથી, આર્ત પરિણામ થતાં નથી, તેમને સતત શાંતિ જ વર્તતી રહે છે, આમ તેમના ચારિત્રનું વિશુદ્ધિકરણ થતું રહે છે.
બાહ્ય મુનિસંગ, દેહ પોષણને લગતા ઉપકરણોનો ત્યાગ કર્યા પછી, મુનિ જે દેહમાં વસીને આત્મારાધન કરે છે તે દેહનાં મમત્વત્યાગનાં પગલાં રૂપે દેહને શક્તિ પહોંચાડનાર આહારત્યાગ ભણી વળે છે. આવી સ્થિતિ સામાન્યપણે શ્રેણિ માંડતા પહેલાં થોડા દિવસે મુનિને સંભવે છે, જ્યારે તેઓ સુધારસમાં તરબોળ બની આહાર ગ્રહણ કરવા જેવા ભાવથી અને આહાર માટે સમય વાપરવાના કૃત્યથી પર થાય છે. આ દિશાનું સૂચન કરતાં, છત્રીસમા સૂત્રમાં “આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે?” એવા પ્રશ્નના ઉત્તરરૂપે કહ્યું છે કે, “આહારના પ્રત્યાખ્યાનથી જીવ જીવનની આશંસા - કામનાના પ્રયત્નને વિછિન્ન કરે છે. જીવનની કામનાના પ્રયત્ન છોડીને તે આહારના અભાવમાં પણ ક્લેશ પામતો નથી.”
૧૬૫