________________
સમ્યક્ત્વ પરાક્રમ
વિનિવર્તના એટલે મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધના. પ્રત્યેક જીવ અનુભવે છે કે સંસારી શાતા પ્રત્યે તેમનું મન અને ઇન્દ્રિયો આકર્ષાયા વિના રહેતાં નથી. અને જ્યાં સુધી વિકસિત મન તથા ઇન્દ્રિયો સંસારી શાતાનું આકર્ષણ વેઠે છે ત્યાં સુધી તે મોક્ષ મેળવી શકતો નથી. તેથી મુનિ પોતાનાં વિકસિત મન તથા ઇન્દ્રિયોને સ્વરૂપમાં જોડી, વિષયોથી વિરક્ત થવાની સાધનામાં ગૂંથાયેલા રહે છે. આ સાધનાથી મુનિ આત્માને આત્મામાં જોડી, મનને શાંત – કષાય રહિત કરે છે, એટલું જ નહિ પણ પોતાની આત્મસુખની અનુભૂતિની ઇચ્છા બળવાન કરી સંવેગને વધારે છે. સંવેગ વધતાં નિર્વેદ દઢ થાય છે. આવી આત્મદશામાં પાપકર્મ વધારનાર સંસારી પદાર્થોનો સંપર્ક પણ મુનિને થાક આપે છે. આવી થાક દેનારી, આત્મદશામાં આડિખલી ઊભી કરવાની સંભાવનાવાળી ચીજોનો મુનિ ત્યાગ કરતા જાય છે, અર્થાત્ નવાં પાપકર્મ ન કરવાં તેઓ તત્પર રહે છે. આ પ્રકારે વર્તતા રહેવાથી પૂર્વબદ્ધ કર્મો તેઓ નિર્જરાવતા જાય છે, અને જલદીથી સંસારનો પાર પામે છે. સતત ઉદ્યમી રહી, એકધારાએ કર્મનિવૃત્તિ અને નિરાશ્રવ વધારવાથી મોક્ષ ત્વરાથી મળે તે સ્વાભાવિક જ છે.
બળવાન સંવેગ તથા નિર્વેદની અનુભૂતિમાં શુદ્ધાત્માનો અનુભવ કરવામાં બાધારૂપ તત્ત્વોનો ત્યાગ કરવાની ભાવના મુનિમાં સહજતાએ વધતી જાય છે, કારણ કે તેમને અનુભવથી સમજાયું હોય છે કે ઇન્દ્રિય સુખ કરતાં આત્મસુખ અનેક પ્રકારે તથા અનેકગણું ચડિયાતું છે. આવી આત્મદશા-બાધક ચીજોનો ત્યાગ કરવો તે “પ્રત્યાખ્યાન” કહેવાય છે. મુનિ જ્યારે પૂર્વકાળમાં છ આવશ્યકની મહત્તા સમજ્યા હોય છે ત્યારે તેમને “પ્રત્યાખ્યાન”નું મહત્ત્વ સમજાયું હોય છે, પણ યથાર્થ પરિણમ્યું હોતું નથી. પરંતુ જ્યારે તેઓ આત્મશાંતિ અને આત્મશુદ્ધિની અમુક કક્ષાએ પહોંચે છે ત્યારે તેઓ સંસારી પદાર્થોના ભોગપભોગના બળવાન સંયમમાં અને ચારિત્રના યથાર્થ પાલન દ્વારા આત્માનુભૂતિમાં રહેવામાં જ સાચાં સુખ તથા શાંતિ અનુભવે છે. પરિણામે ચારિત્રપાલનની વિશુદ્ધિ કરવા માટે તેમનાં પ્રત્યાખ્યાન એક પછી એક વધતાં જાય છે. જિનકલ્પી થવાથી ક્યા ક્રમમાં પ્રત્યાખ્યાન આવે છે તેનું ચિત્ર સૂત્ર ચોંત્રીશથી
૧૬૩